Site icon Revoi.in

ડીસામાં વારંવાર ટ્રાફિક જામની વિકટ સમસ્યા, વાહનચાલકો પરેશાન, પોલીસ નિષ્ક્રિય

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના વેપારથી ધમધમતા એવા ડીસા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં શહેરના સાંઈબાબા મંદિર નજીકના રોડ પર તો ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. આ રોડ પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

ડીસા શહેરમાં દિવાળીના સમયે જ હાર્દ સમા એવા સાંઈબાબા મંદિર આગળ વારંવાર ટ્રાફિક જામ થઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં બપોર અને સાંજના સમયે  સતત બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ જતાં અનેક વાહન ચાલકો અટવાઈ જાય છે. ટ્રાફિકના નિયમન માટે કોઈ દરકાર લેવામાં આવતી નથી. હાલ દિવાળીનો સમય હોવાથી બજારમાં ભીડ વધી જાય છે. શહેરીજનો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાંથી પણ અનેક લોકો ખરીદી માટે આવતા હોવાથી શહેરમાં ભારે ભીડભાડ થાય છે. તેવા સમયે જ સાંઈબાબા મંદિર આગળ વારંવાર ટ્રાફીકજામ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શુક્રવારે પણ બપોરના સમયે અચાનક ટ્રાફિક જામ થઈ જતાં સતત બે કલાક સુધી વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. બપોરના સમયે જ ટ્રાફિકજામ થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ઉલ્લેખનીય છે કે સાંઈબાબા મંદિર એ શહેરનો મુખ્ય વિસ્તાર છે અને અહીં ટ્રાફિક પોઇન્ટ હોવા છતાં પણ દિવસમાં ત્રણથી ચાર વાર ટ્રાફિકજામ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.