Site icon Revoi.in

શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહ ફરીવાર કોંગ્રેસમાં જોડાયા, બાયડની બેઠક પરથી ચૂંટણી લડશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજકારણના દિગ્ગજ ગણાતા નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા 4 વર્ષ  બાદ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર સહિતના નેતાઓએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને મહેન્દ્રસિંહને આવકાર આપ્યો હતો. મહેન્દ્રસિંહ વાઘેલાને બાયડની ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિનો બાકી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે કવાયત ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણી બધી બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બીજીબાજુ  ચૂંટણી પહેલા જ પાર્ટીઓમાં જોડાવાની મોસમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા  કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેંસનો ખેસ ધારણ કર્યો હતો.  કોંગ્રેસ મહેન્દ્રસિંહ વાઘેલાને તેમની જુની બેઠક બાયડ પરથી ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.  મહેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. વર્ષ 2017 માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.  મહેન્દ્રસિંહ વાઘેલાની ચાર વર્ષ બાદ ઘરવાપસી થઈ છે. કોંગ્રેસમાં જોડાયા પછી મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, નફરતની રાજનીતિ દૂર કરવા માટે એક થઈને લડવું પડશે. ગુજરાતના વિકાસ માટે  કામ કરવા કોંગ્રેસમાં જોડાયો છું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જેમ જેમ સમય નજીક આવે તેમ તેમ કોંગ્રેસ પ્લાનિંગ કરીને આગળ વધે છે.  મહેન્દ્ર ભાઈ ઘરવાપસી કરે છે ત્યારે તેમનું હાર્દિક સ્વાગત છે. સમગ્ર ગુજરાતના  સામાજિક આગેવાનો એક થઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા જેમ કામગીરી કરતા હતા તેના કરતાં સારી કામગીરી કરીને આગળ વધશે. જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, નફરતની રાજનીતિ મટાડવા માટે સાથે આવવું જરૂરી છે. મેં જગદીશભાઈ સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હતો. મને સ્વીકારવા તમામ લોકોનો આભાર માનું છું. ભાજપ જોડાયા પછી ક્યારેય હું કોઈ કાર્યક્રમમાં ગયો નથી. ભાજપમાં હતો તેમ છતાં મારું મન કોંગ્રેસમાં હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી વર્ષ 2018ના જુલાઈ માસમાં ભાજપમાં જોડાયા હતા. 4 વર્ષ અને 10 દિવસ બાદ ફરીથી મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસ પાર્ટીની યાદ આવી ગઈ છે.

Exit mobile version