Site icon Revoi.in

એક્ઝિટ પોલના પરિણામોથી રોકાણકારો અતિશય ખુશ, રેકોર્ડ ઊંચાઇ પર છે શેરબજાર

Social Share

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ આવવાના છે. આ પહેલા ભારતીય શેરબજારની રોનક વધી રહી છે. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ શરૂઆતની મિનિટોમાં જ 200 અંકની તેજી સાથે 39,550ના સ્તર પર આવી ગયો. શેરબજારના ઇતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે સેન્સેક્સે આટલી મોટો વધારો નોંધાવ્યો છે. આ પહેલા સેન્સેક્સ 39,500ની નીચે જ રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 52 અંક વધીને 11,880ના સ્તર પર આવી ગયો. નિફ્ટીનું આ અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર છે.

મંગળવારના કારોબારમાં વધારો થયેલા શેર્સની વાત કરીએ તો એચડીએફસી, બજાજ ફાઇનાન્સ, એચયુએલ, રિલાયન્સ, બજાજ ઓટો અને સન ફાર્મા છે. એચડીએફસીના શેર્સ આશરે 3 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જ્યારે લાલ નિશાન પર ટ્રેડ કરનારા શેર્સ ટાટા મોટર્સ, યસ બેંક, ટાટા સ્ટીલ, એરટેલ અને ઇન્ફોસિસ રહ્યા.

ગત 3 દિવસોમાં સેન્સેક્સ 2200 અંકો કરતા પણ વધુ મજબૂત થયો છે. જ્યારે નિફ્ટી 800 અંક મજબૂત થયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે, વધારાનો આ સિલસિલો જો આગળ પણ ચાલુ રહ્યો તો શેરબજાર ચૂંટણી પરિણામો પહેલા 40 હજારના જાદુઈ આંકડાને ટચ કરી લેશે. જ્યારે રોકાણકારોને અપેક્ષા છે કે પરિણામોના 2 દિવસ પહેલા એટલે કે આજે જ સેન્સેક્સ 40 હજારને પાર થઈ શકે છે.

આ પહેલા સોમવારે દિવસના અંતે સેન્સેક્સ 1421 અંકોના વઘારા સાથે 39,352ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી 421 અંક મજબૂત થઈને 11,828ના સ્તરે રહ્યો.