Site icon Revoi.in

કપરાડાના શીંગ ડુંગરી ગામ મધુબન ડેમના પાણીને લીધે બેટ બન્યું, અવર-જવર માટે હોડીનો સહારો

Social Share

કપરાડાઃ વલસાડના કપરાડા તાલુકાનું શીંગ ડુંગરી ફળિયા તરીકે ઓળખાતું ગામ આજે પણ એનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. કારણે ગામની ફરતે પાણી ભરાયેલા હોવાથી ગામ ટાપુ બની ગયું છે. દરેક ઘરમાં હોડી જોવા મળે છે. એટલે બહાર જવા માટે હોડી એક માત્ર સાધન છે. ગામના દરેક વ્યક્તિ હોડી ચલાવવામાં માહેર છે. ગામમાં ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે, અને શાળામાં બહારગામથી અપડાઉન કરતા શિક્ષકો પણ હોડી લઈને જ આવે છે. એટલું જ નહીં બહારગામ ભણવા જતાં ગામના વિદ્યાર્થીઓ પણ હોડી લઈને જ શાળાએ જાય છે.

કપરાડા તાલુકાનું શીંગ ડૂંગરી ગામ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યું છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું શીંગડુંગરી ફળિયું એક ટાપુમાં પરિવર્તિત થયું છે. મધુબન ડેમમાં પાણી સંગ્રહ થતા નગર ગામના શીંગડુંગરી ફળિયામાં આવવા જવા માટે સ્થાનિક લોકોને હોડી ઉપર આધાર રાખવો પડે છે. હલેસા મારતી હોડી ચલાવતા આવડવી તે આ વિસ્તારના લોકો માટે ફરજિયાત છે. આ ટાપુ ઉપર જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા આવી છે. જેમાં ફરજ બજાવતા શિક્ષકો પણ વિદ્યાર્થીઓ માટે હોડી ચલાવી વિદ્યાર્થીઓને ભણાવવા આવે છે. પ્રાથમિક શાળામાં ધો. 1થી 5 સુધીના બાળકોને ભણાવવામાં આવે છે. ત્યાર પછી વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ અન્ય ગામમાં આવેલી શાળાઓ ઉપર આધાર રાખવો પડે છે. જ્યા શાળાએ જવા આવવા માટે વિદ્યાર્થીઓએ હોડી ઉપર આધાર રાખવો પડે છે. તેમજ આ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી જેને લઈને મેડિકલ સારવાર માટે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં હોડી ચલાવી સામે કિનારે પહોંચ્યા બાદ 108 સહિતની સેવાઓ દર્દીઓને મળે છે. સાથે સરકારી તમામ યોજનાઓનો લાભ વિસ્તારના લોકોને મળતો નથી જેને લઈને વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત રહી છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નગર ગામના દમણગંગા નદીના ટાપુ ઉપર શીંગડુંગરી ફળિયામાં આશરે 37 ઘર આવેલા છે. આ લોકોને કપરાડા અને દાદરા નગર હવેલી વિસ્તામાં નોકરી, વ્યવસાય વગેરે કામો માટે જવા આવવા માટે ફરજીયાત હોડી વસાવવાની નોબત આવે છે. એટલું જ નહીં મતદાન કરવા માટે પણ દોઢ કીમી સુધી હોડીના સહારે નદી પાર કરીને જવું પડે છે. ગ્રામજનોના કહેવા મુજબ મધુબન ડેમ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો કેટલાક લોકોને ટાપુ ઉપર વસવાટ કરવાનો વારો આવ્યો હતો. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું નગરગામની શીંગડુંગરી ફળિયાની ચારે બાજુએ પાણી વચ્ચે ટાપુ પરના શીંગડુંગરી ફળિયાના વિદ્યાર્થીઓ, દર્દીઓ, સગર્ભા માતાઓ સહિત સ્થાનિકોએ ફરજીયાત હોડીનો સહારો લેવો પડે છે. સરકારી અનાજ લાવવા માટે ટાપુના લોકોએ મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 1 કલાક બોટ ચલાવી સામે કિનારે પહોંચી અનાજની દુકાનેથી સામાન લાવવો પડે છે. નદીમાં હોડી લઈને ગયા બાદ જો હવામાન ખરાબ થાય કે અન્ય તકલીફ સર્જાય તો સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ટાપુ ઉપર રહેતા લોકો માટે શૌચાલયની પણ સુવિધા નથી આપવામાં આવી, જેને લઈને વિસ્તારમાં રહેતી મહિલાને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવે છે.