Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા-વરસાદની આગાહી, એડવાઈઝરી જાહેર કરાઈ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લાંબા સૂકા ગાળા (દુષ્કાળ જેવી સ્થિતિ)નો અંત આવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, આવતીકાલ એટલે કે 21 ડિસેમ્બરથી કાશ્મીરમાં કાળઝાળ ઠંડીનો 40 દિવસનો ગાળો ‘ચિલ્લઈ કલાં’ પણ શરૂ થઈ રહ્યો છે.

20 ડિસેમ્બરની રાતથી હવામાન પલટાશે સ્થાનિક હવામાન વિભાગના નિયામક મુખ્તાર અહેમદના જણાવ્યા અનુસાર, 20 ડિસેમ્બરની મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવશે. 20 અને 21 ડિસેમ્બરની મધ્યરાત્રિએ પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ શરૂ થશે, જે 21 ડિસેમ્બરની બપોર સુધી ચાલુ રહી શકે છે. ખાસ કરીને ગંદરબલ, બાંદીપોરા અને કુપવાડાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની શક્યતાને પગલે તંત્ર દ્વારા ‘એડવાઈઝરી’ જાહેર કરવામાં આવી છે અને લોકોને બરફબારી દરમિયાન ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

દુષ્કાળને કારણે બીમારીઓમાં વધારો છેલ્લા બે મહિનાથી વરસાદ ન પડવાને કારણે કાશ્મીરની નદીઓ, ઝરણાં અને સરોવરોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી ગયું છે. લાંબા સમય સુધી સૂકા અને ઠંડા વાતાવરણને કારણે ખીણ પ્રદેશમાં શરદી, સૂકી ઉધરસ અને ફ્લૂ જેવી બીમારીઓ વકરી છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધી રહી છે, જેને પગલે ડોક્ટરોએ બાળકો અને વૃદ્ધોને ઠંડી હવાના સંપર્કમાં ન આવવા સલાહ આપી છે.

Exit mobile version