Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતઃ ઉકાઈ ડેમમાં જળસપાટીમાં સતત ઘટાડો, ઉનાળામાં પાણીની સ્થિતિ વિકટ બનવાની ભીતિ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોય તેમ લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી ઉનાળાના ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદ ખેંચાયો હોવાથી 28મી ઓગસ્ટ બાદ ડેમમાં નવા પાણીની આવક થઈ નથી. બીજી તરફ દક્ષિણ ગુજરાતની જનતાને ઉકાઈ ડેમમાંથી તંત્ર દ્વારા જરુરીયાતનું પાણી પુરુ પાડવામાં આવે છે. આઠ દિવસ દરમિયાન લગભગ સવા ફુટનો ઘટાડો થયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડીનું પુષ્કળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ બંને પાકને પાણીની ખુબ જરુરીયાત છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી. બાદમાં રાજય સરકારે માગ સ્વીકારી છે. દરમિયાન આગામી દિવસોમાં ડાંગર અને શેરડીના પાકને બચાવવા માટે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. કાકરાપાર ડાબા જમણા કાંઠા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે જેથી ખેડૂતોની ચિંતા ઘટશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે 81 ટકાથી વધારે વરસાદ અત્યાર સુધીમાં વરસી ચુક્યો છે. રાજ્યમાં સારા વરસાદને પગલે 207 જળાશયોમાં પણ 80 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. જેથી ઉનાળાના ગરમીના દિવસોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત છે. જો કે, વરસાદ ખેંચાતા હાલ ખેડૂતોમાં ચિંતામાં મુકાયાં છે અને ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.