Site icon Revoi.in

અમેરિકા: ન્યુયોર્કના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 19ના મોત

Social Share

દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એવી ઘટના બની છે જેમાં 19 લોકોના મોત થયા છે અને તેમાંથી 9 બાળકોના મોત થયા છે. જાણકારી અનુસાર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા બ્રોન્કસ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગી છે અને તેના કારણે અનેક લોકોના મોત થયા છે. આ ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ઓછામાં ઓછા 32 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ન્યૂયોર્ક ફાયર વિભાગના કમિશ્રર ડેનિયલ નીગ્રોએ કહ્યું કે 32 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, સાથે જ કહ્યું કે ઘટનામાં લગભગ 63 લોકો ઘાયલ થયા છે. ન્યૂયોર્ક ફાયર વિભાગના કમિશ્નર ડેનિયલ નીગ્રોએ આગની ગંભીરતાની તુલના હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબની આગ સાથે કરી. જેમાં 87 લોકોના મોત થયા હતા. વર્ષ 1990માં આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પ્રેમિકા સાથે ઝઘડો કરવા અને ક્લબની બહાર કાઢી મુક્યા બાદ ઈમારતમાં આગ લગાવી દીધી હતી.

ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે કહ્યું કે ન્યૂયોર્ક શહેરમાં આ સૌથી મોટી ભીષણ આગની ઘટનામાંથી એક છે. સાથે જ કહ્યું કે આ ન્યૂયોર્ક શહેર માટે ભયાનક ક્ષણ છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ફિલાડેલ્ફિયામાં એક ઘરમાં આગ લાગવાથી 8 બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા 8 લોકો આગ લાગ્યા બાદ બહાર નીકળવામાં સફળ રહ્યા.