Site icon Revoi.in

રાજકોટ: ઠંડીથી પ્રાણીઓને બચાવવા પ્રદ્યુમન પાર્કમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા

Social Share

રાજકોટ: રાજ્યમાં જે રીતે અત્યારે ઠંડીનું મોજુ વળ્યું છે તેની અસર તો અત્યારે આપણને સૌને વર્તાઈ રહી છે. આવામાં એક વિચાર આપણને એવો પણ આવવો જોઈએ કે આપણી આવી હાલત છે તો પ્રાણીઓની શું હાલત હશે? આવામાં રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે અને પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરાઇ છે. આ ઝૂ માં જુદી-જુદી ૫૭ પ્રજાતિઓનાં કુલ ૪૫૬ વન્યપ્રાણી-પક્ષીઓ છે.આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી-જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે.

હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલ જોવા મળી રહ્યું છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે.જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.

સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે  મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.

Exit mobile version