Site icon Revoi.in

ગુજરાતીઓનું તેલંગણાની ઉન્નતિમાં અને તેલંગણાવાસીઓનું ગુજરાતના વિકાસમાં વિશેષ યોગદાન : આચાર્ય દેવવ્રતજી

Social Share

અમદાવાદ: ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના દસમા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં તેલંગણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી. તેલંગણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ભારતના તમામ રાજભવનોમાં આજે તેલંગણા દિવસની ઉજવણી કરાઈ રહી છે. ઉજવણીમાં તેલંગણા અને ગુજરાત બંને રાજ્યોના નાગરિકો, કલાકારો, યુવાનો ભેગા મળી રહ્યા છે. આ રીતે  પરસ્પર સ્નેહનો તંતુ જોડાય છે, અને બે ભિન્ન પ્રાન્ત, ભિન્ન સંસ્કૃતિ, ભિન્ન ભાષા, ભિન્ન વેશભૂષા, ભિન્ન ખાન-પાન અને ભિન્ન જીવનશૈલીના લોકો એકબીજાનો સ્વીકાર કરીને ભાઈચારાની ભાવનાથી શક્તિશાળી અને ઉન્નત ‘એક ભારત’ને ‘શ્રેષ્ઠ ભારત’ બનાવવા પ્રયત્નશીલ થાય છે, એ જ આ ઉજવણીની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

યુવાનો જ ભારતનું ભવિષ્ય છે. આવા વાતાવરણમાં ઉછરેલા યુવાનો ભારતની આવતીકાલને વધુ ઉજ્જવળ બનાવશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો વિચાર આપ્યો, તમામ રાજભવનોમાં રાજ્યોના સ્થાપના દિવસ ઉજવવાનો વિચાર આપ્યો. આવા કાર્યક્રમોથી બે રાજ્યોના લોકો ઘનિષ્ઠતાથી મળે છે અને પરસ્પર એકતા અને પ્રેમનો ભાવ પ્રગટે છે.

તેલંગણાના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ અને અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતનું સૌથી યુવાન રાજ્ય તેલંગણા આઇટી ઉદ્યોગમાં અગ્રેસર છે. કોરોનામાં વેક્સિન ઉત્પાદન વખતે પણ આ રાજ્યએ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેલંગણાના વેપાર-ઉદ્યોગના વિકાસમાં, તેલંગણાની ઉન્નતીમાં ગુજરાતીઓનું પણ વિશેષ યોગદાન છે. તેમણે કહ્યું કે, તેલંગણામાં વસતા ગુજરાતીઓએ અને ગુજરાતમાં વસતા તેલંગણાવાસીઓએ જે તે પ્રદેશની ઉન્નતિમાં આગવું યોગદાન આપ્યું છે.

લેડી ગવર્નર દર્શના દેવીજી, રાજ્યપાલના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, મૂળ તેલંગાના વતની ગુજરાતના અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ, આઇ.પી.એસ. ડૉ. નીરજા ગોત્રુ રાવ, વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન વિનય કુમાર તથા ગુજરાતમાં સેવારત તેલંગણાના વતનીઓની ઉપસ્થિતિમાં તેલંગણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવા કલાકારોએ બંને રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય રજૂઆત કરી હતી. રાજ્યપાલએ બંને રાજ્યોના કલાકારોનું સન્માન કરીને તેમની સાથે ગ્રુપ ફોટોગ્રાફ પણ પડાવ્યો હતો.