Site icon Revoi.in

તલાટીની ભરતીની પરીક્ષાના ઉમેદવારો માટે રાજકોટ-દ્વારકા અને ભાવનગર વચ્ચે ખાસ ટ્રેનો દોડાવાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7મેને રવિવારના રોજ યોજાનારી તલાટીની ભારતી પરીક્ષામાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો હોવાથી સરકાર માટે પણ આ પરીક્ષા કસોટીરૂપ બની જશે. બોર્ડના ઈન્ચાર્જ એવા આઈપીએસ હસમુખ પટેલ કાબેલ અને કાર્યદક્ષ અધિકારી છે. અને તેમના દ્વારા ઉમેદવારાને કોઈ તકલીફ ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. એસટીની 4500થી વધુ ખાસ બસો દોડાવવાનો નિર્ણય લીધા બાદ કેટલાક રૂટ્સ પર ખાસ ટ્રેનો પણ દોડાવાશે. જેમાં ભાવનગરથી વાયા બોટાદ, સુરેન્દ્રનગર રાજકોટ સુધી તેમજ રાજકોટથી દ્વારકા સુધીના ખાસ ટ્રેનો ઉમેદવારો માટે દોડાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર આગામી તા. 7મીને રવિવારે તલાટીની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યમાં ઉમેદવારો હોવાથી તેમના માટે પરિવહનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.પશ્ચિમ રેલવેએ 7મેને રવિવારના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ત્રણ જોડી ‘પરીક્ષા સ્પેશિયલ’ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ, રાજકોટ-દ્વારકા-રાજકોટ માટે રાજકોટથી સવારે 06.30 કલાકે ઉપડશે અને સવારે 10.45 વાગ્યે દ્વારકા પહોંચશે. જ્યારે આ ટ્રેન દ્વારકાથી બપોરના 2.50 વાગ્યે ઉપડશે અને 6.40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આવતા અને જતા સમયે હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઉભી રહેશે. જ્યારે ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 વાગ્યે ઉપડશે અને સવારે 08.50 વાગ્યે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે રાજકોટથી સાંજે 4.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 9.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.