Site icon Revoi.in

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી: જો રૂટે 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને વિક્રમ સ્થાપિત કર્યો

Social Share

ચેન્નાઇ: પ્રવાસી ઇંગ્લેન્ડ અને યજમાન ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે ચેન્નાઇમાં શુક્રવારથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે તેની 100મી ટેસ્ટ મેચમાં તેમજ ભારત શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે સદી ફટકારી ઇંગ્લેન્ડની ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટે 263 રન થયો હતો. જો રૂટ 128 રન સાથે અણનમ છે તેમજ તેણે ઓપનર ડોમિનિક સિબ્લે સાથે ત્રીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી નોંધાવી છે. જસપ્રિત બુમરાહે સિબ્લેને આઉટ કર્યા બાદ પ્રથમ દિવસની રમત સમાપ્ત થઇ છે.

ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. સવારના સેશનમાં ઇંગ્લેન્ડની શરૂઆત ધીમી રહી હતી. ઇંગ્લેન્ડની ટીમ બે વિકેટે 63 રન કર્યા હતા અને કેપ્ટન જો રૂટ ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો.

રૂટે 100મી ટેસ્ટમાં સદી ફટકારી વિક્રમ રચ્યો

રૂટ અને સિબ્લેએ 200 રનની ભાગીદારી નોંધાવી હતી. રૂટે 100મી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ સાથે જ જો રૂટ 100મી ટેસ્ટ મેચ રમતા સદી ફટકારનાર નવમો બેટ્સમેન બન્યો છે. રૂટ દિવસના અંતે 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 197 બોલમાં 128 રને અણનમ રહ્યો છે. સિબ્લે 87 રન કરી બુમરાહનો શિકાર થયો હતો.

જસપ્રિત બુમરાહે 40 રન આપીને બે વિકેટ ઝડપી હતી જ્યારે રવિચંદ્રન અશ્વિને 68 રનમાં એક વિકેટ ઝડપી હતી.

(સંકેત)