Site icon Revoi.in

ICC વન-ડે રેન્કિંગ: વિરાટ કોહલીનો ટોચ પર દબદબો યથાવત્, રોહિત બીજા ક્રમે

Social Share

નવી દિલ્હી: ભારતીય સૂકાની વિરાટ કોહલી અને રોહિત શર્માએ સિદ્વિ હાંસલ કરી છે. આ બન્ને ખેલાડીઓનો રેન્કિંગમાં દબદબો કાયમ રહ્યો છે. વિરાટ અને રોહિતે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમ જાળવી રાખ્યો છે. આ ઉપરાંત વન-ડેમાં બોલર્સ રેન્કિંગમાં ભારતના ઝડપી બોલર જશપ્રિત બુમરાહે ત્રીજો ક્રમ યથાવત્ રાખ્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્વ પોતાની અંતિમ વનડેમાં 89 અને 63 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી 870 પોઇન્ટ સાથે ટોચના ક્રમ પર રહ્યો છે. જ્યારે રોહિત શર્મા ઇજાને પગલે ઓસ્ટ્રેલિયાની ટૂર પર વન-ડેમાં રમી શક્યો ન હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, રોહિત શર્મા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (837) કરતા પાંચ પોઈન્ટ ઉપર બીજા ક્રમે રહ્યો હતો. ન્યૂઝીલેન્ડના રોસ ટેલર 818 પોઈન્ટ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ 791 પોઈન્ટ સાથે બેટ્સેમનોના રેન્કિંગમાં ટોપ ફાઈવમાં રહ્યા હતા.

આયરલેન્ડના ઓલરાઉન્ડર પોલ સ્ટર્લિંગને અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી અને ત્રીજી વન-ડેમાં સદી ફટકારતા 285 રનની મદદથી આઠ ક્રમનો ફાયદો થયો હતો અને તે 20માં ક્રમે પહોંચ્યો હતો. બોલર્સના રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ 722 પોઈન્ટ સાથે પ્રથમ અને અફઘાનિસ્તાનનો સ્પિનર મુજબ ઉર રહેમાન 701 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યો છે.

ભારતનો જસપ્રીત બુમરાહ 700 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. બોંગ્લાદેશનો સ્પિનર મેહદી હસન મિરાજ નવ ક્રમાંકની છલાંગ સાથે ચોથા ક્રમે રહ્યો હતો. વેસ્ટઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી સીરિઝમાં તે સૌથી સફળ બોલર હતો અને તેણે સાત વિકેટ ઝડપી હતી.

(સંકેત)