Site icon Revoi.in

વિરાટ કોહલીએ હાંસલ કરી વધુ એક સિદ્વિ, હવે અપાયું આ બિરુદ

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ICC વન-ડે રેન્કિંગમાં ઝટકો લાગ્યો હતો, જ્યારે તે 1258 દિવસના અંતર બાદ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા સ્થાને ખસી ગયો હતો. પરંતુ એક દિવસ બાદ વિરાટ કોહલીએ વધુ એક સિદ્વિ પોતાના નામે કરી છે. આ સિદ્વિ સાથે કોહલીએ ઇતિહાસ રચ્યો છે.

હકીકતમાં, વિરાટ કોહલીને વિઝડન એલ્મનક વનડે ક્રિકેટર ઑફ ધ ડેકેડનું નામ આપવામાં આવ્યું છે. કોહલીએ આ સમયગાળામાં 11 હજારથી વધુ રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 60થી વધુની રહી છે. વિરાટ કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછલા દાયકામાં 42 સદી ફટકારી છે. આ દાયકાની શરૂઆત 2011માં ICC ક્રિકેટ વિશ્વકપ જીતની સાથે થઇ હતી અને તેના બે વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો હતો. જ્યાં તે ફાઇનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

દાયકામાં પાંચ આઈસીસી 50 ઓવરની ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી અને ભારત ક્યારેય સેમિફાઇનલ પહેલા બહાર થયું નથી.

તે ઉપરાંત ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સને વર્ષ 2020માં વિઝડન લીડિંગ ક્રિકેટરનું નામ અપાયું છે. વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડર, પાકિસ્તાની વિકેટકીપર મોહમ્મદ રિઝવાન, ઇંગ્લેન્ડની ડોમ સિબલી અને જેક ક્રોલી તેમજ કેન્ટના ડેરેન સ્ટીવંસને ક્રિકેટર ઑફ ધ યરના રૂપમાં નોમિનેટ કરાયા છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ બેથ મૂનેને અગ્રણી મહિલા ક્રિકેટરના રૂપમાં સન્માનિત કરાઇ છે.

આ પહેલા વિરાટ કોહલીને દાયકાનો સર્વશ્રેષ્ઠ આઈસીસી પુરૂષ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો. સાથે તેને દાયકાનો સર્વશ્રેષ્ઠ પુરૂષ વનડે ક્રિકેટર પણ આપવામાં આવ્યો હતો.

(સંકેત)