Site icon Revoi.in

ICCએ અચાનક નિયમ બદલતા ભારતીય ક્રિકેટ ટીમ બીજા નંબરે ગબડી

Social Share

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ અચાનક એક મોટો નિર્ણય લેતા ટીમ ઇન્ડિયાને નુકસાન થયું છે. આઇસીસીએ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઇન્ટ ટેબલનો નિયમ જ બદલી દીધો છે જેના કારણે બુધવાર સુધી નંબર 1 પર રહેલી ટીમ ઇન્ડિયા હવે બીજા નંબરે ગબડી ગઇ છે. તો તેની સામે બીજા ક્રમાંકે રહેલી ઓસ્ટ્રિલયાની ટીમ રેન્કિંગમાં હવે પ્રથમ ક્રમાંકે આવી ચૂકી છે. હકીકતમાં, ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રેન્કિંગનો આધાર હવે પોઇન્ટ ટેબલ નહીં પરંતુ જીતની ટકાવારી બનાવ્યો છે. એનો અર્થ એ થાય છે કે જે ટીમની જીતની ટકાવારી વધુ હોય તે ટીમ હવે નંબર 1 પોઝિશન પર રહેશે.

ICCના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલના નવા નિયમોને કારણે ટીમ ઇન્ડિયા યાદીમાં બીજા ક્રમાંકે સરકી ગઇ છે. ટીમ ઇન્ડિયાએ 4 સીરિઝ રમી છે અને તે જીતની ટકાવારી 75 ટકા છે, બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 3 સીરિઝ રમી છે અને જીતની ટકાવારી 82.22 ટકા છે જેને કારણે ટકાવારીને આધારે તે નંબર 1 પોઝિશન પર પહોંચી ચૂકી છે. આ પહેલા ટીમ ઇન્ડિયા 360 પોઇન્ટ્સની સાથે પ્રથમ ક્રમાંકે હતી અને ઓસ્ટ્રેલિયાના 296 પોઇન્ટ્સ હતા.

થોડાક જ દિવસોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જોરદાર ટક્કર થવાની છે ત્યારે આ સીરિઝ વધુ રોમાંચક બની રહેશે તે નક્કી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે રમ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી ટેસ્ટ સીરિઝ રમશે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ઇગ્લેન્ડ વિરુદ્વ ટેસ્ટ સીરિઝમાં ઉતરશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજી ટીમ પર નજર કરીએ તો ઇગ્લેન્ડ ત્રીજા નંબર પર છે. જેને 4 ટેસ્ટ સીરિઝમાં 60.83 પોઇન્ટ મેળવ્યા છે. ન્યૂઝીલેન્ડ 50 ટકા જીતની ટકાવારી સાથે ચોથા નંબરે છે. પાકિસ્તાન 39.52 ટકા સાથે પાંચમાં નંબરે છે. આ બાદ અનુક્રમે છઠ્ઠા નંબરે શ્રીલંકા, સાતમા નંબરે વેસ્ટ ઇન્ડિઝ, આઠમા નંબરે દક્ષિણ આફ્રિકા અને નવમા નંબરે બાંગ્લાદેશ છે.

(સંકેત)