Site icon Revoi.in

પાટડીમાં ‘ કેસરિયા ’ ST બસ સ્ટેન્ડ તો બનાવ્યું પણ નિગમની મંજુરીના અભાવે ઉપયોગ કરાતો નથી

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી શહેરના  ચાર રસ્તા પર બનાવાયેલા એસટી બસસ્ટેન્ડના પ્રશ્ને  વિવાદ સર્જાયો છે. એસટી બસસ્ટેન્ડના લોકાર્પણને એક અઠવાડિયાનો સમય વિતવા છતાં એસટી નિગમ દ્વારા બસ પસાર કરવા ખાતાકીય મંજૂરી આપવામાં આવી નથી. જેમાં તંત્ર દ્વારા માત્ર કમ્પાઉન્ડને મંજૂરી આપવામાં આવી હતી. પણ બિલ્ડીંગનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી શહેરના ચાર રસ્તા પાસે નગરપાલિકાના  પ્રમુખ મૌલેશ પરીખના પ્રયત્નોથી જૂની મામલતદાર કચેરી કંપાઉન્ડથી બસ પસાર કરવા મંજૂરી મેળવ્યા બાદ 15મી ઓગસ્ટના દિવસે કામ ચલાઉ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ચારરસ્તા પર લાખોના ખર્ચે બનેલુ બસ સ્ટેન્ડ બિન ઉપયોગી બન્યું છે. શહેરના મુખ્ય વિસ્તારમાં બસ સ્ટેન્ડ બનતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ લોકાર્પણના પાંચ દિવસમાં જ આ કામચલાઉ બસસ્ટેન્ડ વિવાદમાં આવ્યું છે. તંત્ર દ્વારા માત્ર કમ્પાઉન્ડને ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. બિલ્ડીંગનો ઉપયોગ કરવા માટે કોઈ ખાતાકીય મંજૂરી મળેલી નથી. છતાં પાટડી મામલતદાર કચેરી દ્વારા પૂરેપૂરી બિલ્ડીંગ સોંપી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે ‌કારણ કે, જૂની મામલતદાર કચેરીની બિલ્ડીંગને રંગારોગાન કરી તેના પર પાટડી બસ સ્ટેન્ડ લખી દેવામાં આવ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાટડીના આ કામચલાઉ બસસ્ટેન્ડમાં હાલ બસસ્ટોપ પરથી બસો પણ નીકળી રહી નથી. એસટી નિગમને વિભાગીય કચેરી દ્વારા ખાતાકીય મંજૂરી મળેલી નથી. જેના કારણે મુસાફરો આ સૂચિત બસસ્ટેન્ડમાંથી વિલા મોઢે પાછા ફરી રોડ પર ઉભા રહેવા અને જૂના બસ સ્ટેન્ડ તરફ જવા માટે મજબૂર બન્યા છે. જેમાં ખાતાકીય રીતે જૂની મામલતદાર કચેરીની બિલ્ડીંગ સરકાર હસ્તક જ રહી છે.
​​​​​​​ પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશ પરીખે જણાવ્યું કે, પાટડી નગર અને ગ્રામ્યની જનતા તથા શાળા, કોલેજ અને આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓને હેરાનગતિ ન થાય તે માટે બસ સ્ટેન્ડેજ માટે મંજૂરી મંગાઈ હતી. જેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડ પૂરેપૂરી રીતે શરૂ થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરમિયાન વિરમગામ ડેપો મેનેજર એસ.ડી.સુથારે જણાવ્યું કે, પાટડીની જૂની મામલતદાર કચેરીના આ કંમ્પાઉન્ડનો બસ સ્ટેન્ડેજ માટે એસ.ટી નિગમ દ્વારા ખાતાકીય મંજૂરી મળેલી નથી‌. તેથી હાલમાં ત્યાંથી બસ પસાર કરવામાં આવતી નથી. આ અંગેની મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી શક્ય છે.