Site icon Revoi.in

ધાનેરાથી રાજસ્થાન જતા સ્ટેટ હાઈવે નંબર 11ની અત્યંત ખરાબ હાલત, વાહનચાલકો પરેશાન

Social Share

ધાનેરાઃ ગુજરાતમાં વરસાદને કારણે તમામ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. જેમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર તો ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં ધાનેરાથી રાજસ્થાન જતો સ્ટેટ હાઈવે તો છેલ્લા બે વર્ષથી અત્યંત બિસ્માર છે. આ સ્ટેટ હાઈવે પર તો રોડ તો દેખાતો જ નથી. અને ઠેર ઠેર મોટા ખાંડાઓ જાવા મળી રહ્યા છે. આ રસ્તા પરથી રોજબરોજ અનેક વાહનો પસાર થાય છે. પરંતુ રાજસ્થાન કે ગુજરાતના સત્તાધિશો કોઈ ધ્યાન આપતા નથી. આ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદો આ પ્રશ્ને રજુઆત કરીને રોડને મરામત કરાવે તેવી માગ ઊઠી છે.

ધાનેરાના બોર્ડર વિસ્તારમાંથી નીકળતો રાજસ્થાનનો સ્ટેટ હાઇવે નંબર 11 છેલ્લા બે વર્ષથી  બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે બિસ્માર ધોરીમાર્ગનું સમારકામ કરવા માટે અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નિરાકરણ ના આવતા આખરે આ માર્ગ હવે પસાર થવા લાયક પણ રહ્યો નથી. જેના કારણે અહીથી ટુ વ્હીલર જ નહીં પરંતુ મોટા વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે સ્થાનિક લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાછડોલ ગામથી રાજસ્થાન તરફ જતો આંતરરાજ્ય ધોરી માર્ગ છે. આ માર્ગ ગુજરાત અને રાજસ્થાનને જોડતો મહત્વનો માર્ગ છે. આ માર્ગ રાજસ્થાન સરકાર દ્વારા હાઇવે બનાવવામાં આવ્યો છે. અને ગુજરાતથી મંડાર, રાણીવાડા અને સૂંધામાતા માટે જવા માટે આ મહત્વનો માર્ગ છે અને આ માર્ગ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. આ માર્ગ પરથી રાજસ્થાનના વાહનો અને ગુજરાતનાં વાહનો અવરજવર કરે છે, તો બીજી તરફ વિધાર્થીઓની અવરજવર પણ આ માર્ગ પર ખૂબ જ રહે છે પરંતુ તાજેતરમાં થયેલા વરસાદને પગલે આ માર્ગ પર કાદવનું સામ્રાજય થઈ ગયું છે. અને તેના લીધે નાના વાહનો તો દૂરની વાત છે પરંતુ મોટા વાહનો પણ પસાર નથી થઈ શકતા. તાજેતરમાં જ ઝાલોર નડિયાદ બસ પણ આ માર્ગ પર ફેલાઈ ગયેલા કાદવમાં ફસાઈ ગઈ હતી અને કલાકો સુધી મુસાફરોને પરેશાન થવું પડ્યું હતું આ સમસ્યાને લઈ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અને તાત્કાલિક અસરથી આ માર્ગનું સમારકામ કરાવવાની માંગ કરી રહ્યા છે.

ધાનેરાના સ્થાનિક લોકોના કહેવા મુજબ ગુજરાત અને રાજસ્થાનને જોડતા આ મહત્વના માર્ગની હાલત અત્યારે બદતર હોવાના લીધે વાહન વ્યવહાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે અને લોકો નજીકના ગામોમાં પહોંચવા માટે લાંબુ અંતર કાપીને પહોંચવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ માર્ગની હાલત ખરાબ હોવાના લીધે વાહન વ્યવહાર બંધ થઈ જતાં વિધાર્થીઓના અભ્યાસ પર પણ તેની અસર પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ માર્ગનું સમારકામ કરાવવામાં આવે તો વાહન ચાલકોનો સમય પણ બચી શકે તેમ છે.