Site icon Revoi.in

ખેડુતોના સમર્થનમાં ઉતર્યા વિદ્યાર્થીઓ, દિલ્હીના મંડી હાઉસમાં 144 લાગુ

Social Share

ખેડૂતોના સમર્થનમાં હવે દિલ્હીના વામ દળ સમર્થિત વિદ્યાર્થી સંગઠનો પણ ઉતર્યા છે. દિલ્હીના મંડી હાઉસ ખાતે એકઠા થયેલા સેંકડો વિદ્યાર્થીઓ ખેડૂતોના સમર્થનમાં અને કૃષિ કાયદાઓ વિરુદ્ધ કૂચ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે મંડી હાઉસ વિસ્તારમાં સેક્શન -144 લાગુ કરી વિદ્યાર્થી સંઘને પરત ફરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે કોપરનિકસ માર્ગ, ફિરોઝ શાહ માર્ગ અને બારાખંભા રોડ સહિતના અનેક રસ્તાઓ પર અવરજવર બંધ થઇ ગઈ છે.

વિદ્યાર્થી સંગઠનો મંડી હાઉસથી જંતર મંતર સુધી કૂચ કરવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. તેના વિરોધમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કર્યા છે.

ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધુ કડક કરી દીધી છે. ખેડૂતોને દિલ્હી આવતા અટકાવવા પોલીસે બોર્ડર પર 10 સ્તરે બેરિકેડીંગ લગાવ્યા છે. રસ્તાઓ પર મોટા-મોટા ડિવાઈડર રાખીને રસ્તાઓ બંધ કરી દેવાયા છે. ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર કોઈ પહોંચી શક્યું નહીં. આ માટે મીડિયાને પણ દૂર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

-દેવાંશી