Site icon Revoi.in

ગુજરાતમાં નકલી પોલીસના સ્વાંગમાં જ્યોતિષીઓને ઠગતા શખસને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

Social Share

સુરતઃ રાજ્યમાં નકલી પોલીસ દ્વારા તોડબાજીના બનાવો બનતા હોય છે. અને લોકોની જાગૃતિને કારણે નકલી પોલીસ પકડાઈ પણ જતાં હોય છે. રાજ્યના અખબારોમાં જાહેરાત આપતા જ્યોતિષોને ફોન નંબર સરનામાં મેળવીને તેમને ટાર્ગેટ કરીને નકલી પોલીસનો સ્વાંગ ધરીને તોડબાજી કરતો ઠગ પકડાયો છે. રાજ્યના 50 થી વધુ જ્યોતિષઓને ‘તમારા વિરુદ્ધ મહિલાએ પોલીસમાં અરજી કરી છે’ કહી પોલીસ અધિકારીના નામે ધમકાવી લાખો રૂપિયા પડાવતા ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. 6 મહિનામાં સુરત, વલસાડ, બારડોલી અને અમદાવાદ સહિતના 50 થી વધુ જ્યોતિષીઓ પાસેથી મહાઠગે પોલીસના નામે ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના  રાંદેર રોડ તાડવાડી સ્થિત સિંધી સોસાયટીમાં રહેતા વાસ્તુ શાસ્ત્રી મનિષ નંદલાલ મનાની પર અઠવાડિયા અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ‘હું કતારગામ પોલીસ ચોકીથી રવિરાજસિંહ બોલું છું, તમારા વિરૂધ્ધમાં કોઇએ ફરિયાદ લખાવી છે, તમે તાત્કાલિક કતારગામ પોલીસ ચોકી આવો.’ તેવુ કહ્યુ હતું. મનિષે કોણે અને શું ફરિયાદ લખાવી છે તેવું પૂછતા તેણે જવાબ આપ્યો હતો કે, ‘તું હોશિંયાર બનવાની કોશિષ નહીં કર, ચુપચાપ પોલીસ ચોકી આવી જા, નહીં તો જીપ મોકલું છું.’ જેથી ડરી ગયેલા મનિષ અને તેની પત્ની કતારગામ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયા હતા. ત્યારે ફરી આરોપીએ અન્ય પોલીસ કર્મચારીનું નામ લઇ કહ્યું હતું કે, ‘તમારા પર રવિ સાહેબનો ફોન આવ્યો હતો, તમારે પોલીસ ચોકી આવવાની જરૂર નથી, 2000 થી 2500 રૂપિયાની વાત છે, ગુગલ પે પર રૂપિયા ટ્રાન્સફર કરી દો એટલે પતાવટ થઇ જશે. જેથી મનિષને શંકા જતા તેમણે પોલીસ સ્ટેશન જઇ તપાસ કરતા રવિરાજસિંહના નામે કોલ કરનાર ઠગબાજ હોવાનું જાણવા મળ્યું હતું.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કતારગામ લલિતા ચોકડી પાસેથી રવિરાજના નામે કોલ કરનાર વિજય ઉર્ફે વિક્રમ ધારસિંહ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના મિત્ર હિંમ્મતસિંહને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં કેરી વેચવાનો ધંધો કરતો વિજય ઉર્ફે વિક્રમ અગાઉ ઇન્ટરનેટ કંપનીમાં ટેક્નિશીયન તરીકે કામ કરતો હોવાથી વારંવાર કતારગામ પોલીસ સ્ટેશન જવાનું થતું હતું. તેથી તે પોલીસની કાર્યપધ્ધિતથી વાકેફ હતો. ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં જે પોલીક કર્મચારીનું વર્ચસ્વ હોય તેના નામે વર્તમાન પત્રો અને સોશ્યિલ મિડીયા પર જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રીઓના નંબર મેળવીને કોલ કરીને ‘ખોટી વિદ્યા કરીને રૂપિયા કઢાવો છે’ તેમ કહી ધાક-ધમકી આપી પતાવટના નામે ઓનલાઇન ગુગલ પે ઉપર રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો.

આશ્ચર્યની બાબત એ છે કે વિજય ઉર્ફે વિક્રમે માત્ર સુરત જ નહિ, પરંતુ વલસાડ, બારડોલી, અમદાવાદ અને ભોપાલના અંદાજે 50 થી વધુ લોકોને પણ પોલીસના નામે ધમકાવી રૂપિયા ખંખેર્યા છે. ઉલ્લેખનીય છે કે ચીટરના મોબાઇલમાંથી DCP, ACP, PI અને PSI સહિતના 10 અધિકારીઓના નંબરો મળ્યા છે. જ્યોતિષો પાસેથી રૂપિયા કઢાવવા પોલીસ અધિકારીના નામે ધમકી આપતો. તેણે પોતાના ફોનના ડીપીમાં પણ આઈપીએસ અધિકારીઓનો ગ્રુપ ફોટો મૂક્યો છે. જેથી કોઈ ડીપી જુએ તો તેને ખરેખર પોલીસ હોય એવુ લાગે. આમ ભેજાબાજ ઠગને પોલીસે ઝડપી લીધો હતો.

Exit mobile version