Site icon Revoi.in

તથ્ય પટેલ જેગુઆર કાર 141.27 કિ.મીની ઝડપે ચલાવતો હતો, FSLએ આપ્યો રિપોર્ટ,

Social Share

અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં  ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે આવેલા જેગુઆર કારચાલક નબીરાએ અકસ્માત સર્જતા નવ લોકો મોતને ભેટ્યા હતા. આ બનાવમાં પોલીસે કારચાલક તથ્ય પટેલ અને તેના પિતાની પણ ધરપકડ કરી હતી, અને તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. દરમિયાન તેના રિમાન્ડ પુરા થતાં તથ્યને સાબરમતી જેલમાં મોકલી દેવાયો છે. દરમિયાન પોલીસે સંયોગી પુરાવા એકત્ર કર્યા છે, જેમાં કારની સ્પીડ 141.27 કિલોમીટર પ્રતિ કલાક હતી,  તેનો એફએસએલને રિપોર્ટ મળી ગયો છે. પોલીસનું કહેવું છે કે, અકસ્માત થયો તે દિવસે રાતે બ્રિજ ઉપર તમામ પોલની લાઈટો ચાલુ હતી અને કારની બ્રેક પણ સલામત હતી. પરંતુ તથ્યએ બ્રેક મારવાની તસ્દી લીધી નહીં. આ સમગ્ર પુરાવા બાદ હવે થોડા દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દેવાશે. આ કેસમાં જલ્દીથી આરોપીને કડકમાં કડક સજા મળે તે રીતે તમામ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા બુધવારે રાતે તથ્ય પટેલ અને તેના મિત્રો કેફે પરથી નીકળીને રાજપથ કલબ તરફ જેગુઆર કારમાં પૂરફાટ ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે તથય પટેલ 141.27 kmની સ્પીડે જેગુઆર કાર ચલાવી રહ્યો હતો. ગણતરીની સેકન્ડમાં 100ની સ્પીડ ક્રોસ કરતી જેગુઆર કારે લોકોના ટોળા પર કાર ચડાવી દીધી હતી. તથ્ય પટેલે ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જાયો ત્યારે બ્રિજ પર લાઈટ નહોતી. એવો બચાવ કર્યો હતો. આ અંગે પોલીસે પુરાના એકઠા કરી લીધા છે. અને તે દિવસે રાતે બ્રિજ ઉપર તમામ પોલની લાઈટ ચાલુ હોવાનું પોલીસે જણાવી દીધું છે. બીજી તરફ આ અકસ્માત થયા બાદના 17 સાક્ષી પોલીસને મળ્યા છે. જેમણે અકસ્માત અને અકસ્માતની ગંભીરતા નજરે નિહાળી છે. ત્યારબાદ તથ્યની સાથે બેઠેલા લોકોએ પણ તથ્યની ઓવર સ્પીડિંગ વિશે પોલીસ આગળ વટાણા વેરી દીધા છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તથ્ય પટેલ જ્યારે કાર ચલાવી રહ્યો હતો, ત્યારે કારનું વિઝન 245 મીટરથી વધુ હતું અને તેની લાઈટ તેમજ બ્રેક કાર્યરત હતા તેવો રિપોર્ટ આરટીઓએ આપ્યો છે. એટલે કારની કન્ડિશન અને ફિટનેસ કાર ચલાવવા માટે બરાબર હતા. પરંતુ ડ્રાઇવરની ગફલતના કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તથ્ય પટેલ અકસ્માત રોકી શક્યો હોત તેવું પણ પોલીસનું તારણ છે, પરંતુ તેણે બ્રેક મારી નહીં અને આ અકસ્માત સર્જાયો હોવાનું પોલીસનું માનવું છે.

પોલીસે કારચાલક આરોપી તથ્યને રિમાન્ડ પર મેળવીને તમામ પુરાવા એકઠા કરી લીધા છે. તથ્યને સાબરમતી જેલમાં મોકલી અપાયો છે. અને આગામી 48 કલાકમાં સમગ્ર કેસની ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવશે,  આ કેમની  મહત્વની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેમજ જેગુઆરના રિપોર્ટ અને ડીએનએ રિપોર્ટ પણ આ ચાર્જસીટમાં જોડાશે 17 જેલા સાક્ષીઓ તેયાર કરીને તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.