Site icon Revoi.in

સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં 4%ની વૃદ્વિ, 82.5 કરોડ યૂઝર્સ નોંધાયા

Social Share

નવી દિલ્હી: ડિજીટલ ઇન્ડિયામાં હવે સ્માર્ટફોન ધારકોની સંખ્યા વધવાની સાથોસાથ ઇન્ટરનેટનું નેટવર્ક પણ સતત વિસ્તરણ પામી રહ્યું છે. આ વચ્ચે દેશમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા પણ વધી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)ના ડેટા દર્શાવે છે કે, દેશમાં ઇન્ટરનેટ યૂઝર્સની કુલ સંખ્યા ડિસેમ્બર 2020ના અંતમાં 79.51 કરોડથી વૃદ્વિ પામીને માર્ચ 2021ના અંતે 82.53 કરોડ થઇ ગઇ છે, જે ત્રિમાસિક દર 3.79 ટકાની વૃદ્વિ દર્શાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ 82.53 કરોડ ઇન્ટરનેટ યૂઝર્સમાંથી, વાયર્ડ ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 2.6 કરોડ અને વાયરલેસ યૂઝર્સની સંખ્યા 79.93 કરોડ છે.

સબ્સક્રાઇબર્સ બેઝમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ 77.80 કરોડ અને નેરોબેન્ડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ 4.72 કરોડ છે.

બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કસ્ટમર્સની સંખ્યા ડિસેમ્બર 2020ના અંતમાં 74.74 કરોડ હતી જે ત્યાંથી 4.11 ટકા વધીને માર્ચ 2021ના ​​અંતે 77.80 કરોડ થઈ ગઈ હતી. જો કે નેરોબેન્ડ ઇન્ટરનેટ સબ્સક્રાઇબર્સની સંખ્યા 1.18 ટકા ઘટીને માર્ચ 2021ના અંતે 4.72 કરોડ થઇ છે જે ડિસેમ્બર 2020ના અંતે 4.77 કરોડ હતો.

બ્રોડબેન્ડની વ્યાખ્યા મુજબ તે એક અથવા બંને દિશામાં 512 Kbit/s ની ન્યૂનતમ ક્ષમતા ધરાવતુ ઇન્ટરનેટ એક્સેસ છે. નેરોબેન્ડ એક અથવા બંને દિશામાં 512 Kbit/s થી ઓછી ક્ષમતા ધરાવતું ઇન્ટરનેટ એક્સેસ છે.