Site icon Revoi.in

વોટ્સએપ-ટેલિગ્રામ પર આ પ્રકારના મેસેજ ના મોકલતા, સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર ક્યારેક કેટલીક ગોપનીય માહિતી અને દસ્તાવેજો ભૂલમાં પણ શેર થઇ જતા હોય છે ત્યારે સરકારે તેના અધિકારીઓને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમોથી ગોપનીય માહિતી અને દસ્તાવેજો શેર ના કરવા ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે તેને લઇને નવી કમ્યૂનિકેશન ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે. આમાં તમામ સરકારી કર્મચારીઓને વોટ્સએપ, ટેલિગ્રામ પર ગોપનીય માહિતી શેર ન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પ્રકારની ગોપનીય માહિતીનો ભારત વિરોધી શક્તિઓ દુરુપયોગ કરી શકે છે. માર્ગદર્શિકા અનુસાર, ઘરેથી કામ દરમિયાન, કર્મચારીઓને ફક્ત ઓફિસ એપ્લિકેશન દ્વારા જ જોડવામાં આવે. આ ઓર્ડર Amazon Alexa, Apple HomePod, Google Meet અને Zoom જેવી એપને પણ લાગૂ પડે છે.

વર્તમાન સિસ્ટમમાં રહેલી ખામીઓનું વિશ્લેષણ કર્યા બાદ વોટ્સએપ, ટેલિગ્રામ અને સોશિયલ મીડિયા એપ્સ પર આ આદેશ આપ્યો છે. કેન્દ્રએ વર્ગીકૃત માહિતી લીક થતાં ટાળવા માટે નેશનલ કોમ્યૂનિકેશન ધોરણો અને સરકારી નિર્દેશોના વારંવાર ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઘડવામાં આવેલી નવી કોમ્યૂનિકેશન માર્ગદર્શિકા જાહેર કરી છે.

તમામ મંત્રાલયોને આવા ઉલ્લંઘનોને રોકવા માટે “તાત્કાલિક પગલાં” લેવા અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓએ ઘરેથી કામ (Work From Home)દરમિયાન તેમના હોમ સેટઅપમાંથી સંવેદનશીલ માહિતી અથવા દસ્તાવેજો મોકલવાનું ટાળવું જોઈએ. વધુમાં, હોમ સિસ્ટમ માત્ર નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક દ્વારા ઓફિસ નેટવર્ક સાથે જોડાયેલ હોવી જોઈએ.