Site icon Revoi.in

વોટ્સએપની કાર્યવાહી, નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: ફેસબુકના માલિકત્વ હેઠળની કંપની વોટ્સએપે નવેમ્બર મહિના દરમિયાન ઓટોમેટેડ અને બલ્ક મેસેજિંગ (સ્પામ)ના અનધિકૃત ઉપયોગ કરતા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરતા કુલ 17.5 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બંધ કર્યા હતા. આ જ સમયમાં 602 ફરિયાદો પણ પ્રાપ્ત થઇ હતી. વોટ્સએપે તેના અનુપાલન રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

મેસેજિંગ પ્લેટફોર્મે પોતાના તાજેતરના અહેવાલમાં માહિતી આપી છે કે, નવેમ્બર મહિનાના સમયગાળા દમરિયાન વોટ્સએપ પર 17,59,000 ભારતીય એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા.

વોટ્સએપના પ્રવક્તાએ આ અંગે જાણકારી આપી છે કે, IT નિયમો 2021 હેઠળ, અમે નવેમ્બર મહિના માટે અમારો છઠ્ઠો માસિક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ યૂઝર સેફ્ટી રિપોર્ટમાં વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી યૂઝર ફરિયાદો તેમજ સંબંધિત કાર્યવાહની વિગતો તથા વોટ્સએપ દ્વારા જ કરવામા આવેલી કાર્યવાહી સમાવિષ્ટ છે.

ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો કંપનીએ એક્શન લેતા 20 લાખ એકાઉન્ટ પર પાબંધી લગાવી હતી. કંપનીને તે મહિને 500થી વધુ ફરિયાદો પણ મળી હતી. દેશમાં વોટ્સએપના 400 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તા છે. કંપનીએ અગાઉ એવું કહ્યું હતું કે, એકાઉન્ટ્સની મદદથી બલ્ક મેસેજિંગ કરવામાં આવ્યું હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ગત વર્ષે મે મહિના દરમિયાન સરકારે કંપનીઓ માટે IT નિયમો લાગુ કર્યા હતા. જે અનુસાર, જો કોઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના 5 મિલિયન એટલે કે 50 લાખથી વધુ યૂઝર્સ છે, તો તેણે દર મહિને અનુપાલન રિપોર્ટ સબમિટ કરવો પડશે.