Site icon Revoi.in

ચીનના હેકર્સ ભારતીય વોટ્સએપ યૂઝર્સને આ રીતે બનાવી રહ્યા છે નિશાન

Social Share

નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને કારણે ભારતમાં વોટ્સએપ મુશ્કેલીનું સામનો કરી રહ્યું છે. યૂઝર્સ હવે વોટ્સએપ છોડીને અન્ય મેસેજિંગ એપ તરફ વળી રહ્યા છે. આ દરમિયાન નવી દિલ્હી સ્થિત થિંક ટેંક સાઇબરપીસ ફાઉન્ડેશને ચોંકાવનારો દાવો કર્યો છે કે ચીનના હેકર્સ ભારતના વોટ્સએપ યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. તે લોકો વોટ્સએપ યૂઝર્સને પાર્ટ-ટાઇમ જોબની લાલચ આપીને ફસાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હેકર્સ ભારતીય વોટ્સએપ યૂઝર્સને એવા સંદેશ મોકલી રહ્યા છે કે તેઓ દિવસમાં માત્ર 10 થી 30 મિનિટનો સમય કાઢીને 200 રૂપિયાથી 3,000 રૂપિયાની કમાણી કરી શકે છે. આ મેસેજ સાથે એક લિંક આપવામાં આવે છે.

સાઇબરપીસ ફાઉન્ડેશન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અલગ અલગ મોબાઇલ નંબર પર મોકલવામાં આવતી લીંક એક જ યુઆરએલ પર રિ-ડાયરેક્ટ થાય છે. એવું સામે આવ્યું છે કે એક જ લીંકનો ફક્ત નંબરમાં ફેરફાર કરીને ઉપયોગ કરવામાં આવ્યો છે.” આ મામલે સાઇબરપીસ ફાઉન્ડેશને તપાસ ટીમની રચના કરી છે.

તમામ લીંકમાં એક જ આઉટગોઇંગ સોર્સ પર રિ-ડાયરેક્ટ થઈ રહી હતી. જોકે, અમને તપાસ દરમિયાન એક અલગ લિંક મળી આવી હતી. જેનું આઈપી એડ્રેસ ચીનની હોસ્ટિંગ કંપની અલીબાબા ક્લાઉન્ડનું હોવાનું સામે આવ્યું છે.

યુઆરએલ સાથે જ્યારે છેડછાડ કરવામાં આવી ત્યારે તેમાં ચીનની ભાષામાં એરર મેસેજ આવે છે. તપાસ દરમિયાન જે ડોમેન નેમ મળી આવ્યું છે તે ચીનમાં નોંધાયેલુ છે.

સાઇબરપીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, લીંકનું આઈપી એડ્રેસ 47.75.111.165 છે, જે ચીનના હોંગ કોંગ શહેરના અલીબાબા ક્લાઉડનું હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વોટ્સએપ તેના યૂઝર્સને મેસેજ મોકલીને કહી રહ્યું છે કે તેઓ તેમના ડેટાનો ઉપયોગ ફેસબુક કરી શકે તે માટે સહમતિ દર્શાવે નહીં તો આઠમી ફેબ્રુઆરીથી તમારું એકાઉન્ટ બંધ થઈ જશે.

(સંકેત)