Site icon Revoi.in

Twitter ને ટક્કર આપવા આવ્યું દેશી Tooter, PM મોદી-અમિત શાહે પણ બનાવ્યું એકાઉન્ટ

Social Share

નવી દિલ્હી: ભારત હવે ધીમે ધીમે સોશિયલ મીડિયા જગતમાં પણ આત્મનિર્ભર બની રહ્યું છે. હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) શરૂ થઇ ગયું છે. સ્વદેશી સોશિયલ નેટવર્ક ટૂટરને મેડ ઇન ઇન્ડિયા હેઠળ શરૂ કરવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પર લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ પણ ટૂટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટૂટર આ વર્ષે જૂન જુલાઇમાં શરુ થયું હતું પરંતુ તે ટ્રેન્ડમાં હવે જોવા મળી રહ્યું છે. ટૂટરે સાઇટ પર અમારા વિશે સેક્શનમાં લખ્યું છે કે, અમારું માનવું છે કે ભારતમાં એક સ્વદેશી સોશિયલ નેટવર્ક હોવું જોઇએ, ટૂટર અમારું સ્વદેશી આંદોલન 2.0 છે. આ આંદોલનમાં અમારી સાથે જોડાઓ.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટૂટર પર વેરિફાઇડ એકાઉન્ટ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સદગુરુ પણ ટૂટર પર છે. તે ઉપરાંત ટૂટર પર ભાજપનું પણ અધિકૃત એકાઉન્ટ જોઇ શકાય છે.

ડિઝાઇન

ટૂટર (Tooter)ની ડિઝાઇન અને ઇન્ટરફેસ સંપૂર્ણપણે ટ્વિટર જેવા જ છે અને તેના લોગોમાં એક બલ્યૂ રંગનો શંખ છે. ટૂટર પર એકાઉન્ટ બનાવ્યા બાદ તમે લોકો સાથે કનેક્ટ થઇ શકો છો. ન્યૂઝ ફીડમાં તમે અન્ય લોકોની પોસ્ટ જોઇ શકો છો. તમે પોતે પણ ટ્વીટ કરી શકો છો. ટૂટર એપ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ વેબસાઇટ Tooter.in પર પણ કરી શકાય છે. જો કે iOS યૂઝર્સ માટે હજુ આ એપ ઉપલબ્ધ નથી. તમે પણ ટૂટર પર નામ, ઇમેઇલ આઇડી અને પાસવર્ડ નાખીને પોતાનું એકાઉન્ટ બનાવી શકો છો.

(સંકેત)