Site icon Revoi.in

તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના 1 જુલાઇ સુધીના રિમાન્ડ અપાયા

Social Share

અમદાવાદઃ મુંબઈથી ગુજરાત એટીએસે (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ) તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.ત્યારબાદ તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા અને બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 1 જુલાઈ સુધી જ બન્નેના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે SIT બનાવી છે જે આગળની તપાસ કરવામાં કરશે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ તિસ્તા હાલ તપાસમાં સહકાર  આપતી નથી. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ડી.પી ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તિસ્તાએ પોલીસ અધિકારીને કહ્યું હતું કે,  હું આરોપી નથી. મારા વકીલને મળ્યા બાદ કોર્ટ રૂમમાં જઈશ. મારી સાથે બળજબરી ન કરો. મારા વકીલ સાથે વાત કરવી છે. ડીસીપી ક્રાઇમ, ચૈતન્ય માડલીકે જણાવ્યું હતું કે, આરોપીઓને હેતુ નિર્દોષ નાગરિકોને મૃત્યુદંડ અથવા હાનિ થાય તેવી સજા થાય અપાવવાનો તથા અરાજકતા ફેલાવવા માટે તેમણે આમ કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદને લઈને તપાસ કરવા SIT બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય ઇન્ચાર્જ તરીકે DIG દીપન ભદ્રનની નિમણૂક કરવામાં આવી છે. તેમની મદદ માટે SP સુનિલ જોશી, ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકની પણ નિમણૂંક કરવામાં આવી છે. DYSP બી.સી.સોલંકીની પણ નિમણૂંક કરાઈ છે, જે કેસની તપાસ કરશે અને અન્ય 2 મહિલા PI ની પણ નિમણૂક કરવામાં આવી છે. SIT દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જેમાં ખોટા દસ્તાવેજો અંગે, NGO મામલે, ફાયનાન્સ અને અન્ય વિગત અંગે તપાસ કરવામાં આવશે. 27 જૂને ત્રીજા આરોપી સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટના આધારે ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે, ત્યાર બાદ વધુ તપાસ શરૂ થશે. આ સાથે તિસ્તા સેતલવાડ શરૂઆતથી જ તપાસમાં સહકાર આપતા નથી જેને લાઈને SIT માં 2 મહિલા PI ને પણ સામેલ કરવામાં આવ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મીડિયાને જણાવ્યું હતું કે, 24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના કારણે એક ગુનો દાખલ કર્યો છે. જેમાં તિસ્તા, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ આરોપી છે.જેમાં બેની ધરપકડ કરવામાં આવશે. સજીવ ભટ્ટને લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તિસ્તા સપોર્ટ નથી કરી રહી. અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીએ જ્યાં જ્યાં ખોટું કર્યું છે ત્યાંથી પૂરાવા ભેગા કરવામાં આવશે. તિસ્તા સિવાય કોઈ અન્ય હશે તે બહાર આવશે તેની સામે તપાસ થશે. આર બી શ્રીકુમાર અને તિસ્તા સપોર્ટ નથી કરી રહ્યા. ફાઈનાન્સ અને અન્ય વિગતની તપાસ કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે.