Site icon Revoi.in

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે તાપમાન વધશે નહીં, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, તેના કારણે આગામી સપ્તાહમાં વાતાવરણ વાદળછાંયુ રહેવાને લીધે તાપમાનમાં વધારો થવાની શક્યતા નથી. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદના છાંટણા પણ પડી શકે છે. એક સપ્તાહ બાદ એટલે કે 15મી એપ્રિલથી તાપમાનમાં વધારો થશે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનને પારો 43 ડિગ્રીએ પહોંચી જશે, એવું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી પાંચ દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદના છાંટણા પડી શકે છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણ વાદળછાંયું રહેશે એટલે ગરમીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો થશે. અમદાવાદમાં વાદળછાંયું વાતાવરણ રહેશે. એક સપ્તાહ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે

હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 10 અને 11 એપ્રિલના રોજ સામાન્ય માવઠાની શક્યતા છે.  દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં માવઠાની શક્યતા છે. જ્યારે 11 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, જિલ્લામાં સામાન્ય છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય  ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી શકે છે.

હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યભરમાં તાપમાન યથાવત્ અને શુષ્ક રહેવાની સંભાવના છે. આગામી 48 કલાક અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાંયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરંતુ આ વાદળોથી વરસાદની શક્યતા નહીંવત્ છે, પરંતુ આગામી 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર અને  ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે. મહત્ત્વનું છે કે 10 એપ્રિલના રોજ ઉત્તર ભારતના પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને કારણે ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈને 10 અને 11 એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.