Site icon Revoi.in

મંદિરો અને ધાર્મિક મિલ્કતોને કોમર્શિયલ નહીં પણ રેસિડેન્ટના ધોરણે ટેક્સની વસુલાત કરાશેઃ પાટિલ

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિનાનો મસય બાકી રહ્યો છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજકોટની મુલાકાતે આવ્યા હતા. હેમુ ગઢવી હોલ ખાતે સાધુ સંતો સાહિત્યકારો અને કલાકારો સાથે સીધા સંવાદના યોજાયેલા કાર્યક્રમમાં બોલતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે મંદિર અને ધાર્મિક મિલકતોને કોમર્શિયલ ટેકસ લાગુ નહીં પડે અને આવી મિલકતો રેસીડેન્સીયલ ગણાશે. રાજકોટના કાર્યક્રમ બાદ પાટિલે ગોંડલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે એપીએમસી ખાતે તેમણે પેજ સમિતિના પ્રમુખોની સભાને સંબોધીને પેજ સમિતી પર ભાર મુકતા કાર્યકર્તાઓને એવી પણ ટકોર કરી હતી કે, વિધાનસભાની ટિકિટ મેળવવા માટે ટોળાશાહી કે કોઇ રાજકીય દબાણથી દૂર રહેજો, જો કોઇ વ્યક્તિ ટોળાં લઇને આવશે કે રાજકીય દબાણ લાવશે તો તેને ટિકીટ નહિ મળે.

ગોંડલ ખાતે એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાટિલે  વર્ષ 2022 ની ચૂંટણીની  તૈયારીઓ શરૂ કરવાનો ગુરૂમંત્ર આપ્યો હતો. અને ટીકિટ ઇચ્છુક લોકોને સીધી રીતે જ ટકોર કરતા કહ્યું હતું કે જે કાર્યકર્તા ટિકીટ ઇચ્છી રહ્યા છે તેવા લોકોએ ટોળાશાહી કે કોઇ રાજકીય લોબીથી દૂર રહેવું,  જો કોઇ વ્યક્તિ ટોળાં લઇને આવશે તો તેને ટિકીટ નહિ મળે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગોંડલ અને રાજકોટમાં કાર્યકર્તાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સાધુ સંતો સાહિત્યકારો અને કલાકારો સાથે સીધા સંવાદના યોજાયેલા કાર્યક્રમમાં બોલતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે મંદિર અને ધાર્મિક મિલકતોને કોમર્શિયલ ટેકસ લાગુ નહીં પડે અને આવી મિલકતો રેસીડેન્સીયલ ગણાશે. મંદિરમાં પૂજારીઓને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ પ્રકારના ભારે ટેકસ ન હોવા જોઈએ તેવી રજૂઆત આ સંવાદ કાર્યક્રમના પ્રારંભમાં સાધુ સંતો દ્વારા કરાયા બાદ પાટીલે મહત્વની જાહેરાત કરી હતી.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી આવે છે એટલા માટે અમે આવા કાર્યક્રમો કરતા નથી. ગુજરાતમાં વનડે વન ડિસ્ટિ્રકટનો આ આઠમો કાર્યક્રમ છે અને તેમાં સમાજના અલગ અલગ વર્ગના લોકો, સંસ્થાના પ્રતિનિધિઓ, ભાજપના કાર્યકરો અને આગેવાનોને મળીને શું પ્રશ્ન છે અને તેનું શું નિરાકરણ હોઈ શકે તેની ચર્ચા કરી લોકોની સુખાકારી માટે પ્રયાસો કરી રહ્યા છીએ. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં આ મુજબના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે અને તેમાં અલગ અલગ 19 કેટેગરીના લોકોને મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

ગુજરાત સરકારે ગૌશાળા અને ગાયો માટેની સહાય, ખેતી સહિતના ઘણા પ્રશ્નોને આવરી લઈને તેના નિરાકરણ માટે આગળ વધી રહી છે તેમ જણાવતા પાટીલે વધુમાં કહ્યું હતું કે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી વીમા યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરતાં પાટીલે દીકરા અને દીકરીઓ વચ્ચેનો ભેદભાવ ન રાખવા અને બંનેને સમાન ગણવા ઉપસ્થિત સમુદાયને અનુરોધ કર્યેા હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોકોને સરકારી યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે સતત પ્રયત્નો કર્યા છે.મહિલા સશકિતકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ તકે પાટીલે વિધવા પેન્શન યોજના અને ઘરવિહોણા લોકો માટેની વડાપ્રધાન આવાસ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત છણાવટ કરી હતી.