Site icon Revoi.in

ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર દોડશે ભારતના રસ્તાઓ પર, કંપનીએ સત્તાવાર રીતે બેંગ્લોરમાં કરાવી નોંધણી

Social Share

બેંગ્લોર: દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્ક ભારતમાં પોતાનો ધંધો શરૂ કરવા જઈ રહ્યા છે. એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર બનાવનારી ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઇ ચૂકી છે. ટેસ્લા અહીં લક્ઝરી ઇલેક્ટ્રિક કારનું નિર્માણ અને કારોબાર કરશે. ટેસ્લાએ સત્તાવાર રીતે બેંગ્લોરમાં નોંધણી કરાવી છે. કંપનીની ઓફીસ બેંગ્લોર કલબની સામે રિચમંડ સર્કલ જંક્શન પર સ્થિત છે.

રિપોર્ટ્સ મુજબ, કંપનીએ 1.5 કરોડની મૂડી સાથે નોંધણી કરાવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. તો,કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કર્ણાટક ગ્રીન મોબિલિટીની અને ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા ટેસ્લા ભારતમાં જલ્દીથી બેંગ્લોરમાં એક રીસર્ચ એન્ડ ડેવલપમેંટ યુનિટ સાથે કામગીરી શરૂ કરશે. હું એલન મસ્કનું ભારતમાં સ્વાગત કરું છું.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, 8 જાન્યુઆરીએ ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રાઈવેટ લિમિટેડની બેંગ્લોરમાં નોંધણી કરવામાં આવી હતી. તેના દિગ્દર્શકો વૈભવ તનેજા,વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફેન્સટીન છે. તનેજા ટેસ્લામાં સીએફઓ છે, જ્યારે ફેન્સટીન ગ્લોબલ સીનીયર ડાયરેકટર,ટ્રેડ માર્કેટ એક્સેસ છે. એવું કહેવામાં આવે છે કે, ટેસ્લા આ વર્ષથી તેની કામગીરી શરૂ કરશે. ભારતના બેંગ્લોરથી ધંધો શરૂ કરનારી આ કંપનીનો નોંધણી નંબર 142975 છે.

ગયા વર્ષે ભારતમાં ટેસ્લા આવવાની ચર્ચા થઈ હતી. ટેસ્લાના સીઈઓ એલન મસ્કએ ઓક્ટોબરમાં એક ટવિટમાં કહ્યું હતું કે, તેમની કંપની 2021 માં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. આ વાતની પુષ્ટિ કરતાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, ટેસ્લા આવતા વર્ષે ભારતમાં તેની કામગીરી શરૂ કરશે. ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક બનવાની સંભાવના ધરાવે છે.

અહેવાલો મુજબ, ટેસ્લા ભારતીય કાર બજારમાં જ પોતાની કારનું ‘મોડેલ 3’ લોન્ચ કરી શકે છે. તેની અંદર 60 Kwhનો Lithium ion બેટરી પેક આપવામાં આવ્યો છે. વાહનની ટોચની ગતિ 162mph છે. આ કાર 0-160 km ની રફતારે 3.1 સેકંડમાં વેગ આપી શકે છે. તેની કિંમત આશરે 55 લાખ રૂપિયા હોઈ શકે છે.

-દેવાંશી