Site icon Revoi.in

ધારીના ખીચા ગામે 13 વર્ષના સાગરનું વજન 140 કિલો, સાત રોટલાનું ભોજન છતાં ભૂખ્યો જ રહે છે !

Social Share

અમરેલીઃ  જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામે સુમો બેબીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખીચા ગામમાં આર્થિક રીતે નબળા પરિવારનો 13 વર્ષના દીકરા સાગરનું વજન 140 કિલો છે. તે દિવસમાં 7 જેટલા રોટલા આરોગી જાય છે અને તેને હલન-ચલનમાં પણ મુશ્કેલી પડે છે. પરિવાર આર્થિક રીતે નબળો હોય તેમણે બાળકનું વજન ઘટાડવામાં સરકાર પાસે મદદ માગી છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં છેલ્લા 25 વર્ષથી એક પરિવાર વસવાટ કરે છે. કાળુભાઈના દીકરાના ઘરે 13 વર્ષ પહેલા પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી પરિવાર ખુશીમાં હતો. પરિવારે પોતાના વ્હાલસોયા દિકરાનું નામ સાગર રાખ્યું. આર્થિક રીતે નબળા પરિવારમાં ખુશીઓ મહેકી રહી હતી, પરંતુ નાનપણથી જ સાગરની અનોખી ભોજન શક્તિએ તેમને મુશ્કેલીમાં મુકી દીધો હતો. જેના કારણે સાગર જેમજેમ મોટો થતો ગયો તેમતેમ તેની ઉમરની સાથે તેનું વજન પણ અતિશય વધવા લાગ્યું અને 13 વર્ષની ઉંમરમાં તો તેનું વજન 140 કિલોએ પહોંચી ગયુ. ઉંમરની સાથે વજન વધતા સાગર અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. વજન વધવાના કારણે સાગર ચાલી પણ શકતો નથી. એકતો આર્થિક સ્થિતિ નબળી અને બાળકની આ અનોખી બીમારીથી પરિવાર પર આફત આવી ગઇ છે. મજુરીકામ કરતા પરિવારે સરકાર તરફ મીટ માંડી છે અને સરકાર કંઇક મદદ કરે તેમ ઇચ્છી રહ્યાં છે. પરિવારે સાગરનું વજન ઘટાડવામાં સરકાર સહયોગ આપે તેવી માગ પણ કરી છે.

કાળુભાઈએ જણાવ્યું  હતું કે, સાગર મારા દીકરાનો દીકરો છે. તેની ઉંમર 13 વર્ષ છે. સાગર જન્મ્યો ત્યારે તેનું શરીર પાતળું હતું પણ પછી તેનું શરીર વધતુ જ ગયું. હવે તેની ભૂખ પણ વધતી ગઇ. હવે અમે એના શરીરને પુરુ થાય તેટલું આપી શકતા નથી. અમે સરકાર પાસે સહારો માગીએ છીએ. સરકાર માયબાપ છે. અમે તો અભણ છીએ.  સાગર દિવસના 8 રોટલા ખાય છે. બાળકની આ બીમારીના કારણે પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. મજૂરી કામ કરીને જીવન ગુજારતો આ પરિવાર પહેલા સાગરને ત્રણ ટાઇમ જમવાનું આપતો હતો પરંતુ સાગરનું વજન ઘટાડવા માટે 2 ટાઇમ જમવાનુ આપી રહ્યો છે. જોકે તેનાથી પણ સાગરના વજનમાં કોઇ ફેર પડ્યો નથી.

(તસવીરઃ ફેસબુક)