Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેનું કામ ચાર વર્ષના વિલંબ બાદ માર્ચમાં પૂર્ણ થશે

Social Share

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગને સિક્સલેન બનાવવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે, ધીમી ગતિએ ચાલતું કામ ક્યારે પુરૂ થશે તે પ્રશ્ન છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં એવું આશ્વાસન આપ્યું હતું કે, આગામી માર્ચ 2024 સુધીમાં કામ પૂર્ણ કરી દેવાશે. અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવેનું કામ જાન્યુઆરી 2020 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્યાંક હતું, પણ તેમાં ચાર વર્ષ મોડું થયું છે. હવે આ નેશનલ હાઇવે માર્ચ 2024 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્યાંક છે.

ગુજરાત વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈ‌વે બનાવવાનું કામ ટેન્ડર પ્રમાણે જાન્યુઆરી-2018થી શરૂ કરી દેવાયું હતું. અને જાન્યુઆરી-2020 સુધીમાં પૂર્ણ કરવાનું હતું  અમદાવાદ-રાજકોટ સિક્સલાઈન હાઇવે પુરો કરવા માટે 3 એજન્સીને કામ આપવામાં આવ્યું હતુ. એજન્સીએ સમયસર કામ પૂરું ન કરતા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી છતાં હાઇવેનું કામ પૂરું થયું નથી અને 31 માર્ચ 2024 સુધીમાં કામ મહંદઅંશે પૂરું કરવાનું લક્ષ્ય છે. અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઇ‌વેમાં કામ કરતી એજન્સીઓને ચેન્જ ઓફ સ્કોપ હેઠળ રૂ. 201.63 કરોડનું કામ આપવામાં આવ્યું હતું.

અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેના કામ માટે 2223.50 કરોડનો ખર્ચ અંદાજાયો છે, હાલ કામગીરી ચાલી રહી છે. અને બે મહિનામાં એટલે કે માર્ચ-2024ના અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પણ ઓવરબ્રિજના કામમાં વિલંબ થયો હતો. અમદાવાદ-રાજકોટ વચ્ચેના સિક્સલેન હાઈવેનું કામ પૂર્ણ થતાં ઝડપથી પ્રવાસ કરી શકાશે