Site icon Revoi.in

કેન્દ્રએ નહેરુ મેમોરિયલનું નામ બદલ્યું,હવે આ નામથી ઓળખાશે

Social Share

દિલ્હી : રાજધાની દિલ્હીમાં નેહરુ મેમોરિયલનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલ પીએમ મેમોરિયલ તરીકે ઓળખાશે. કોંગ્રેસે નામ બદલવાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે નામમાં ફેરફાર પ્રતિશોધ અને સંકુચિતતાનું પરિણામ છે. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી હવે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી તરીકે ઓળખાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં નેહરુ મેમોરિયલનું નામ બદલવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. રાજનાથ સિંહ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના ઉપાધ્યક્ષ છે. અને વડાપ્રધાન તેના અધ્યક્ષ છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, જી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર સહિત 29 સભ્યો આ સોસાયટીમાં સામેલ છે.

તીન મૂર્તિ ભવન, એડવિન લ્યુટિયન્સની શાહી રાજધાનીનો ભાગ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના કમાન્ડર-ઇન-ચીફનું સત્તાવાર નિવાસસ્થાન હતું. વર્ષ 1948માં જ્યારે પંડિત નેહરુ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તીન મૂર્તિ ભવન તેમનું સત્તાવાર નિવાસસ્થાન બની ગયું હતું. પંડિત નેહરુ આ ઘરમાં 16 વર્ષ રહ્યા અને અહીં અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ, આ તીન મૂર્તિ ભવન પંડિત નેહરુની સ્મૃતિને સમર્પિત કરવામાં આવ્યું અને તે પંડિત નહેરુ મ્યુઝિયમ અને સ્મારક તરીકે જાણીતું બન્યું. હવે કેન્દ્ર સરકારે તેનું નામ નેહરુ મેમોરિયલથી બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ સોસાયટી કરી દીધું છે.

કોંગ્રેસે કેન્દ્રના આ નિર્ણયની ટીકા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે નામ બદલાવ પ્રતિશોધ અને સંકુચિત માનસિકતાનું પરિણામ છે. જયરામ રમેશે લખ્યું છે કે છેલ્લા 59 વર્ષથી નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિકતાનું મહત્વનું સ્થાન છે. આ સાથે, તે પુસ્તકોનો ખજાનો પણ રહ્યો છે.

 

Exit mobile version