Site icon Revoi.in

ધોરણ 10 અને12 પરીક્ષાની ઉત્તરવહીઓની તપાસ માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શનિવારથી કાર્યરત થશે,

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જે માર્ચના અંત પહેલા જ મોટાભાગની પરીક્ષાઓ પૂર્ણ થશે. આ વખતે પરીક્ષોઓનું પરિણામ વહેલા જાહેર કરવાનું હોવાથી તા.16મીને શનિવારથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ શરૂ કરી દેવામાં આવશે. મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ મૂલ્યાંકન કેન્દ્રો પર 75 હજારથી વધુ શિક્ષકો પેપર ચકાસણીની પ્રક્રિયામાં જોડાશે. શિક્ષકોને ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે  જે મહેનતાણું આપવામાં આવે છે તેમાં એક રૂપિયાનો વધારો કરવામાં પણ આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરીનો તા. 16મી માર્ચને શનિવારથી પ્રારંભ કરાશે. જેમાં ધોરણ 10માં 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચેક થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 184 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણી થશે તેમજ વિજ્ઞાન પ્રવાહના 65 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણી કરવામાં આવશે. ધોરણ 10 અને 12ના ભેગા મળી કુલ 75 હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકનની કામગીરી કરાશે. આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચકાસણી કરતા શિક્ષકોના ભથ્થામાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દર ત્રણ વર્ષે પેપર ચકાસણીના દરમાં વધારો કરવામાં આવે છે. ધોરણ 10માં ગત વર્ષે એક શિક્ષકને પેપર ચકાસણી માટે એક પેપર દીઠ 7.50 રૂપિયા આપવામાં આવતા હતા. જેની જગ્યાએ હવે 8.50 રૂપિયા આ વર્ષે આપવામાં આવશે. 12 સામાન્ય પ્રવાહમાં પેપર ચકાસણી માટે શિક્ષકને પેપર દીઠ 8 રૂપિયા આપવામાં આવતા હતા તેની જગ્યાએ હવે 9 રૂપિયા આપવામાં આવશે. જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે પેપર ચકાસણી માટે 10 રૂપિયા યથાવત રાખવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત વર્ષે શિક્ષણ વિભાગે પેપર ચકાસણી માટે શિક્ષકોને 12.9 કરોડ ચૂકવ્યા હતા. આ વખતે પેપર ચેકિંગ કરતા શિક્ષકોના મહેનતાણામાં વધારો થતાં તેમને ચૂકવવામાં આવતા આંકમાં પણ વધારો થશે. બોર્ડ દ્વારા આ વર્ષે 75 હજાર શિક્ષકોને 16.1 કરોડ ચૂકવાશે. એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે 4 કરોડ વધુ ચૂકવવામાં આવશે. શિક્ષકોએ એક દિવસમાં 30 જેટલા પેપર ચેક કરવાના રહેશે અને એક દિવસમાં આઠ કલાકના સમયમાં જ પેપર ચકાસવાના રહેશે.