Site icon Revoi.in

વાવાઝોડાના સંકટને પગલે મુખ્ય સચિવે વ્યવસ્થાપનનો તાગ મેળવ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, બીજી તરફ સરકાર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સ્થળાંતર સહિતની વ્યવસ્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જે વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જે જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાના કલેકટરો સહિતના અધિકારીઓ સાથે વાવાઝોડાને લઈને વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

રાજ્યના મુખ્ય સચિવે જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર શરૂ થઈ શકે છે. ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે નીચાણવાળા અને દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી, પીજીવીસીલ અને વનવિભાગની ટીમોને સાવચેતીના ભાગરૂપે તૈયારી કરવી તેમજ ભારે પવન અને વરસાદના પરિણામે જો કોઈ જગ્યાએ નુકશાન થાય તો લોકોની સલામતી અને સુરક્ષા ધ્યાને લઈને ત્વરિત મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.

કચ્છના માંડવી દરિયાકાંઠા નજીક 15મી જૂનના રોજ બપોરના સમયે વાવાઝોડુ ત્રાટકવાની શકયતાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં રહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, હાલ સાત હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરીને રાખવા અને ફુડપેકેટ પુરા પાડવા સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં બીચ ઉપર જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.