ગાંધીનગરઃ જિલ્લાના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને બાળકના માતપિતાને શોધવાની તાકીદ કરી હતી. ગાધીનગર એલસીબી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પાલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. અને સીસીટીવી કેમરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. બાળકના પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું બહાર આવ્યું છે. સફેદ કારના આધારે પિતાની ઓળખ કરાઈ છે. એક સફેદ સેન્ટ્રો કારમાં બાળક મુકવા આવ્યા હતો. પતિ અને પત્નીના ઝગડામાં બાળકને તરછોડી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માસૂમ બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે. હાલ તેના ઘરે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ હતી, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ તથા 2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.પોલીસે ભારે જહેમત ઉઠાવીને બાળકના પિતાને શોધી લીધો છે.
ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી દઈ નાસી છૂટ્યો હતો. છેલ્લા બાર-તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં લાગી ગઈ હતી. વાલી-વારસોને શોધવા માટે પોલીસે 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા હતા, જ્યારે 8 ટીમ તૈયાર કરાઈ હતી. સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં પણ મોકલાઈ હતી.