Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે, ગઈકાલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરમાં રાત્રિના સમયે પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે, હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને શહેરમાં ઉઘાડ નીકળ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો 10.69 ઈંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં લગભગ 2.64 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ અનેક સ્થળો ઉપર ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જેના પરિણામે લોકોએ મોડી રાત સુધી વરસાદી પાણીના નિકાલ માટે જાગ્યાં હતા. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે કેટલાક અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં હતા. ભારે વરસાદને પગલે શહેરમાં મનપાના મોનસૂન કન્ટ્રોલરૂમને વરસાદી પાણી ભરાવાની 47 જેટલી ફરિયાદ મળી હતી. મનપાને 5 ભયજનક મકાનની, 3 રોડ સેટલમેન્ટની અને 1 ઝાડ પડવાની ફરિયાદ મળી હતી. પાણી ભરાવાની 47 ફરિયાદમાંથી 36 જગ્યા પર નિકાલ કરવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડ કન્ટ્રોલરૂમને પણ ઈમરજન્સી કોલ મળ્યા હતા. બોપલ સાનિધ્ય હોમમાં ઇલેક્ટ્રીક મીટરમાં આગ લાગવાનો બનાવ તો લાલ દરવાજા એડવાન્સ સિનેમા પાસે વીજળી પડવાના કારણે દિવાલ પડી હતી. શ્યામલ ચાર રસ્તા પર એક ઈમારતની લિફ્ટમાં બે વ્યક્તિ ફસાયા જેમને સહી સલામત બહાર કઢાયા હતા. તેમજ થલતેજ ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે બસ પર દિવાલ પડી હતી. તો પરિમલ અંડરપાસમાં પાણીમાં એક કાર ફસાઈ હતી.વૈષ્ણોદેવી સર્કલ ત્રાગડ અંડર પાસ પાસે પનાસ બંગલો સાઈડ સ્લેબની ઘટનામાં એક વ્યક્તિનું દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. પાંચકુવા દરવાજા પાસે હરણ વાળી પોળમાં મકાનની દિવાલ પડી હતી. આ ઉપરાંત બાપુનગર તેમજ વસ્ત્રાપુરમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. જેમાં ફાયર બ્રિગેડને કોલ મળતા કામગીરી કરવામાં આવી હતી.