Site icon Revoi.in

ડાકોર મંદિરને પણ મોંઘવારી નડી, પ્રસાદના લાડુના ભાવમાં વધારો કરાયો

Social Share

ડાકોરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીના દર્શન માટે એનેક યાત્રાળુઓ આવે છે. યાત્રાળુઓ ભગવાનને ધરાવવા માટે પ્રસાદ પણ મંદિરમાંથી જ ખરીદતા હોય છે. પણ હવે મંદિરના ટ્રસ્ટને મોંઘવારી નડી રહી છે એટલે પ્રસાદના ભાવમાં એકાએક વધારો કરી દીધો છે.

દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીને કારણે મંદિરના ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે પ્રસાદના ભાવમાં એકાએક વધારો કરતા ભાવિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. કોરોનાના લીધે ઘણા સમયથી દર્શન માટે મંદિરના દરવાજા બંધ કરાયા હતા. હવે કારોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરતા રાજ્યના તમામ મંદિરો ભાવિકોને દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડાકોરમાં રોજબરોજ અનેક દર્શનાર્થીઓ ઠાકોરજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં  પ્રસાદના લાડુ મોંઘા બન્યા છે. અત્યાર સુધી ભક્તોને રૂ.10માં 1 લાડુ લેખે જોઇએ તેટલા લાડુ મળતા હતા. પરંતુ મંદિર પ્રશાસન હવે લાડુના ભાવમાં નવી સ્કીમ લાવ્યા છે. કોઈ પણ ભક્તને એક લાડુના રૂ.10, બે લાડુ ના રૂ.20 પરંતુ જો ત્રીજો લાડુ જોઈએ તો રૂ.50 ચૂકવવા પડશે. આજ પ્રમાણે 6 લાડુ જોઈએ તો રૂ.100 ચૂકવવા પડશે. મંદિર પ્રશાસન દ્વારા છાના છુપીથી આ ભાવ વધારો અમલમાં મુકી દેતા વૈષ્ણવોમાં નારાજગી જોવા મળી છે.