Site icon Revoi.in

પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગતી આગ, દેશમાં 32 દિવસમાં 20 વાર થયો વધારો

Social Share

અમદાવાદ: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 32 દિવસમાં 20 વાર તેની કિંમતમાં ફેરફાર થતા લોકોની તકલીફ વધી રહી છે. આ પાછળનું કારણ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાના પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પરંપરા રવિવારે પણ ચાલુ રહી છે.

દેશની રાજધાની દિલ્લીમાં પણ નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે જેમાં સૌપ્રથમ વખત પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 95 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 86ની વિક્રમી સપાટીને વટાવી ગયો છે. દિલ્લીમાં રવિવારે પેટ્રોલમાં 21 પૈસા અને ડીઝલમાં 20 પૈસાનો વધારો થયો હતો.

જો કે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં પેટ્રોલની કિંમત 100નો આંક વટાવી ચૂકી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને લદ્દાખનો સમાવેશ થાય છે. દેશમાં છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે પ્રતિ લીટર રૂ. 4.69 અને રૂ. 5.28નો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે. અનેક દેશોમાં લોકડાઉન અને નિયંત્રણો હળવા થવાના પગલે ઈંધણની માગમાં વધારાની સંભાવનાના રોકાણકારોના આશાવાદને પગલે ક્રૂડના ભાવ વધી રહ્યા છે.

ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ વધીને રૂ. 92 નજીક પહોંચ્યો છે જ્યારે ગુજરાતના ત્રણેય પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર થઈ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવમાં કેન્દ્રની એક્સાઈઝ ડયુટી ઉપરાંત વેટ અને ફ્રેટ ચાર્જીસ જેવા અન્ય સ્થાનિક કરની અસરના કારણે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ રહે છે.