Site icon Revoi.in

મોહરા ફિલ્મમાં અભિનેત્રી તરીકે પહેલી પસંદગી રવિના ટંડન નહીં આ અભિનેત્રી હતી

Social Share

મુંબઈઃ 90ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ મોહરાને 27 વર્ષ પૂર્ણ થયાં છે. 1994માં તા. 1 જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, ગુલશન ગ્રોવર, નસીરુદ્દીન અને રજા મુરાદ જેવા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મની વાર્તા અને કલાકારોનો અભિનય લોકોને ખુબ પસંદ આવ્યો હતો. તેમજ ગીતો પણ સુપરહિટ રહ્યાં હતા. જેથી વર્ષો પછી પણ આ ફિલ્મના ગીતોને રિક્રિએટ કરવામાં આવી રહ્યાં છે. જો કે, ફિલ્મમાં રવિના ટંડન અભિનેત્રી તરીકે પહેલી પસંદ ન હતી. આ ફિલ્મમાં શ્રી દેવીને લેવાની વિચારણા કરાઈ હતી.

મોહરા ફિલ્મ બનાવવાનો આઈડિયા રાઈટર શબ્બીર બોક્સવાલાને જીમમાં આવ્યો હતો. સ્ટોરી બાદ કાસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. લીડ અભિનેત્રી તરીકે ડાયરેક્ટર રાજીવ રાય અને પ્રોડ્યુસર ગુલશન રાય શ્રી દેવીને લેવા માંગતા હતા. જો કે, શ્રી દેવી અન્ય ફિલ્મ ચંદ્રમુખીમાં વ્યસ્ત હતી એટલે તેમણે ફિલ્મમાં કામ કરવાનો ઈન્કાર કર્યો હતો.

ત્યાર બાદ તે વખતની સુપરસ્ટાર અભિનેત્રી દિવ્યા ભારતીને સાઈન કરવામાં આવી હતી. દિવ્યા ભારતીએ લગભગ 5 દિવસ ફિલ્મનું શુટીંગ પણ કર્યું હતું. આ દરમિયાન તા. 5મી એપ્રિલ 1993ના રોજ ભેદી સંજોગોમાં દિવ્યા ભારતીનું અવસાન થયું હતું. જેથી ફિલ્મ મેકરોએ રવિના ટંડનનો સંપર્ક કર્યો હતો. અંતે રવિના ટંડન આ સુપરહિટ ફિલ્મનો હિસ્સો બની હતી. એટલું જ નહીં આ જ ફિલ્મનું ગીત તુ ચીજ બડી હૈ મસ્ત-મસ્તા એટલું ફેમસ થયું કે રવિનાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મસ્ત-મસ્ત ગર્લ તરીકે ઓળખવા લાગ્યાં હતા.

લગભગ રૂ. 3.75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર રૂ. 12 કરોડનું કલેકશન જે તે વખતે કર્યો હતો. આ ઉપરાંત ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેકશન રૂ. 22.64 કરોડ જેટલું હતું.

Exit mobile version