Site icon Revoi.in

ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ સરકારે નાબૂદ કર્યો,ડીઝલ પરનો ટેક્સ પણ ઘટાડ્યો

Social Share

મુંબઈ : કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. આ સંબંધમાં સરકાર તરફથી એક નોટિફિકેશન જારી કરીને માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે મંગળવાર (4 એપ્રિલ)થી તેનો અમલ પણ કરી દેવામાં આવ્યો છે. અગાઉ, ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ 3,500 રૂપિયા ($42.56) પ્રતિ ટન રાખવામાં આવ્યો હતો.

આ સાથે ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ 1 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 0.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. હાલમાં, પેટ્રોલિયમ અને એવિએશન ટર્બાઇન ઇંધણ (ATF) પર કોઈ વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો નથી.

જુલાઈ 2022માં પ્રથમ વખત ક્રૂડ ઓઈલ પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. 21 માર્ચ, 2023 ના રોજ, સરકારે ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડીને 3,500 રૂપિયા પ્રતિ ટન કર્યો.

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે OPEC+ ગ્રુપના દેશોએ બે દિવસ પહેલા જ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર બાદ સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 84.58 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.

પેટ્રોલ-ડીઝલ સસ્તું નહીં થાય 

OPEC+ જૂથના આ નિર્ણય બાદ ભારતમાં આયાત થતા ક્રૂડ બાસ્કેટમાં પણ વધારો થવાની ધારણા છે. ગયા મહિનાના બીજા પખવાડિયામાં ભારતીય બાસ્કેટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $73-74ની આસપાસ હતી. ક્રૂડની નરમાઈ બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નરમાઈની કોઈ શક્યતા નથી.

સરકાર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ ક્યારથી વસૂલી રહી હતી

કેન્દ્ર સરકારે પહેલીવાર 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદ્યો હતો. આ સાથે ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ એનર્જી કંપનીઓના સુપર નોર્મલ પ્રોફિટ પર ટેક્સ લગાવે છે. કેન્દ્ર સરકાર દર પખવાડિયે વિન્ડફોલ પ્રોફિટ ટેક્સની સમીક્ષા કરે છે. તેના દરો આંતરરાષ્ટ્રીય તેલના ભાવના આધારે નિયંત્રિત થાય છે. સરકાર તેલ ઉત્પાદકો પર પ્રતિ બેરલ $75 થી વધુ કિંમત મળે તે માટે વિન્ડફોલ નફા પર કર લાવે છે.