Site icon Revoi.in

ધારાસભ્યના નામે જસ્ટિસને ફોન કરનારા બે આરોપીને હાઈકોર્ટે એક-એક લાખનો દંડ ફટકાર્યો

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે જસ્ટિસને ધારાસભ્યના નામે ભલામણ કરતો ફોન કરનારા બે આરોપીને  હાઈકોર્ટે કોર્ટ એક એક લાખ રૂપિયાનો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા કરી હતી. તથા દંડની રકમ જેલના કેદીઓના વેલ્ફેર માટે આપવાનો પણ નિર્દેશ કર્યો છે.

આ કેસની વિગતો એવી હતી કે, આણંદમાં પોલીસ સાથે ઝઘડો કરી અને તે  ગુનામાં ધરપકડ ટાળવા માટે હાઇકોર્ટમાં આગોતરા જામીન લેવા માટે  કોંગ્રેસના તે વખતના  ધારાસભ્ય નિરંજન પટેલના નામે તત્કાલીન હાઇકોર્ટ જસ્ટિસ બેલાબેન ત્રિવેદીને ફોન કરનારા આરોપી વિજય શાહ અને અલ્પેશ પટેલને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસમાં હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા હતા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ સંદિપ ભટ્ટની ખંડપીઠે કોર્ટ ઉઠતા સુધીની સજા અને રૂ.1-1 લાખનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે. દંડની રકમ જેલના કેદીઓના વેલ્ફેર માટે આપવાનો પણ નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, માફી માગવાથી કોર્ટના તિરસ્કાર કરનારને માફી મળે નહી. હાઇકોર્ટે આરોપીઓને 6 મહિનાની સજા કરવાનું જણાવ્યું હતું. પરંતુ આરોપીઓના વકીલોએ વિનંતી કરતા અંતે હાઇકોર્ટે કોર્ટ ઉઠતા સુધીની સજા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જુલાઇ 2020માં કોરોના મહામારી વખતે લોકડાઉનમાં આણંદમાં આરોપી વિજય શાહે લોકડાઉનના નિયમોના પાલન મુદ્દે પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. જે કેસમાં પોલીસ ધરપકડ ટાળવા માટે હાઇકોર્ટમાં આગોતરા જામીન કરી હતી. આગોતરા જામીન લેવા માટે આરોપીઓએ કાવતરું ઘડ્યું હતું. અને કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય નિરંજન પટેલના નામે તત્કાલિન હાઇકોર્ટ જસ્ટિસ બેલાબેન ત્રિવેદીને ફોન કર્યો હતો. હાઇકોર્ટ જજ બેલાબેન ત્રિવેદીએ આ મુદ્દે પોલીસને તપાસ કરવાનું કહ્યું હતું. પોલીસે તપાસ કરી તો આરોપીઓએ નિરંજન પટેલના નામે ખોટી રીતે ફોન કર્યો હતો. આથી બન્ને આરોપીઓ વિરુદ્ધ હાઇકોર્ટે કન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ કર્યો હતો.