અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનની અસર હવે મોટા પાયે જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત અમેરિકાની પરમાણુ હથિયારોની દેખરેખ રાખતી એજન્સી નેશનલ ન્યૂક્લિયર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (NNSA)એ પોતાના 1,400 કર્મચારીઓને રજા પર મોકલી આપ્યા છે. આ માહિતી અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઇટે નેવાડા પ્રવાસ દરમિયાન આપી હતી.
રાઇટે જણાવ્યું કે આશરે 400 જરૂરી કર્મચારીઓ તેમની ફરજ પર યથાવત રહેશે. સાથે જ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હજારો કર્મચારીઓ પણ પોતાની જવાબદારી નિભાવતા રહેશે. તેમણે જણાવ્યું કે “આજનો દિવસ કઠિન છે. અમે દરેકની નોકરી બચાવવા અને પરમાણુ હથિયારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ.”
તેમણે વધુમાં કહ્યું કે હાલ રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ જોખમ નથી, કારણ કે જરૂરી કર્મચારીઓ તૈનાત છે અને પરમાણુ ભંડાર સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન સરકાર 1 ઓક્ટોબરથી બંધ છે. આ સંકટનું મુખ્ય કારણ હેલ્થ ઇન્શ્યોરન્સ સબસિડીને લઈને ચાલી રહેલો વિવાદ છે. ડેમોક્રેટ્સ ઈચ્છે છે કે તેની વ્યવસ્થા નક્કી થાય, જ્યારે રિપબ્લિકન્સનો મત છે કે સરકાર ફરી શરૂ થાય ત્યાં સુધી કોઈ ચર્ચા ન થાય.

