Site icon Revoi.in

ઇંગ્લેન્ડ સિરીઝ માટે આજે ભારતીય ટીમની થશે જાહેરાત, ખેલાડીઓની ઇજા બની શકે વિઘ્ન

Social Share

– ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિને ઘર આંગણે સિરીઝ રમાશે
– આ સિરીઝ માટેની ટીમની આજે થશે જાહેરાત
– ખેલાડીઓની ઇજા છે મોટો પડકાર

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી મહિનાથી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમાનારી છે. આ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી 19 જાન્યુઆરીએ મંગળવારે કરવામાં આવશે. ચેતન શર્માની નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિ વધારે પ્રયોગ કરવા ઇચ્છતી નથી કેમકે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હાજર ફિટ ખેલાડી ટીમમાં સ્થાન મેળવવા માટે હકદાર થશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત પોતાની યજમાનીમાં પાંચ ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે. જો કે ખેલાડીઓની ઇજા પસંદગીકારો માટે મોટો પડકાર પડશે.

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના પ્રથમ બાળકના જન્મ માટે પેટરનિટી લીવ પર છે. જ્યારે ઝડપી બોલર ઈશાન્ત શર્મા ઈજામુક્ત થયા બાદ પુનરાગમન કરશે. જસપ્રિત બુમરાહ પણ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટ રમી રહ્યો નથી જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ઈજાગ્રસ્ત છે. બુમરાહ અને અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં રમી રહ્યા નથી. પરંતુ તેમની ઈજા વધારે ગંભીર નથી અને આરામ મળવાના કારણે તેઓ ઝડપથી સાજા થઈ જશે. તેથી તેઓ 5 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ હશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઝડપી બોલર મોહમ્મદ શમીના ખભામાં ફ્રેક્ચર છે. જ્યારે ઓલ-રાઉન્ડર રવીન્દ્ર જાડેજાના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. ઉમેશ યાદવના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે તો સિડની ટેસ્ટના હિરો રહેલા હનુમા વિહારીના પણ સ્નાયુઓમાં ખેંચાણ આવી ગયું છે. તેથી આ ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ નથી. ચેન્નઈમાં રમાનારી પ્રથમ બે ટેસ્ટ (5થી 9 અને 13થી 17 ફેબ્રુઆરી) માટે ભારતીય ટીમને 27 જાન્યુઆરીએ બાયો-બબલમાં દાખલ થવાનું છે.

ભારતીય પસંદગી સમિતિ પ્રથમ બે ટેસ્ટ માટે 16થી 18 ખેલાડીઓ ઉપરાંત કેટલાક નેટ બોલર્સની પસંદગી પણ કરી શકે છે. ઈશાન્ત સાઈડ સ્ટ્રેનની ઈજામાંથી મુક્ત થઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દ્વારા સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફર્યો છે અને તે સારા ફોર્મમાં જોવા મળ્યો છે. બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે તે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે જ્યારે શાર્દૂલ ઠાકુર અને નટરાજન રિઝર્વ બોલર રહેશે.

Exit mobile version