વેરાવળઃ બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના દર્શન માટે રોજ-બરોજ દેશ-વિદેસથી અનેક લોકો આવે છે. વેરાવળ-સોમનાથમાં ભક્તોની સુવિધા વધારવા માટે અનેક વિકાસના કામો સતત કરવામાં આવી રહ્યાં છે. ભોળાનાથના દર્શને આવતા લોકોને સોમનાથમાં સારી સુવિધા મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને સરકાર હંમેશા પ્રયાસરત રહે છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરમાં દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે સોમનાથને વધુ ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સોમનાથમાં વિવિધ વિકાસાત્મક કામોનું લોકાર્પણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રેહશે. આ તકે વડાપ્રધાન સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયેલ 4 વિકસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી માધ્યમથી કરશે.
વિગતવાર જોવામાં આવે તો સોમનાથ મંદિર નજીક 49 કરોડ ના ખર્ચે બનેલ અત્યાધુનિક સમુદ્રદર્શન વોક-વે સહિત, જુના સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ પીએમ મોદી કરવાના છે. સોમનાથના તમામ ઘન કચરાનો નિકાલ કરતો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. સોમનાથ કલાકેન્દ્રમાં બનેલા પૌરાણિક સંગ્રહાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત કરાશે. આમ કુલ 80 કરોડથી વધુના ખર્ચે બનનાર પ્રોજેકટનું આગામી 20 ઓગસ્ટે પ્રધાનમંતરી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે.