Site icon Revoi.in

પાટડીમાં 1996માં બનેલું ST બસ સ્ટેન્ડ તકેદારીના અભાવે ઢોરવાડો બન્યુ, તંત્ર નિષ્ક્રિય

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા તાલુકાનું મુખ્ય મથક પાટડી છે, રોજબરોજ અનેક લોકો હટાણું કરવા માટે પાટડીની મુલાકાતે આવતા હોય છે. ત્યારે પાટડીના એસટી બસ સ્ટેશનની ખંડેર જેવી હાલત છે. સને 1996માં તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના વરદ હસ્તે પાટડી બેચરાજી રોડ પર વેલનાથ નગર સામેં અદ્યતન બસસ્ટેન્ડનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ બસસ્ટેન્ડ ગામથી ખૂબ દૂર હોવાની સાથે આ નવા બસસ્ટેન્ડમાં કેટલીક બસો ન આવતી હોવાથી એસટી બસસ્ટેન્ડ હાલમાં શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યું છે.

પાટડીના એસ.ટી.નિગમ દ્વારા આ બસસ્ટેન્ડમાં બનાવેલી 5થી 7 જેટલી દુકાનો પણ યોગ્ય તકેદારીના અભાવે જેસે થે સ્થિતીમાં જ ઉભી છે. એસટી વિભાગ દ્વારા આ બસસ્ટેન્ડમાં એક પણ કર્મચારી ના મુકાતા તેમજ બસસ્ટેન્ડમાં મોટા ભાગની બસો ન આવતા આ બસસ્ટેન્ડ હાલમાં માત્ર શોભાના ગાંઠીયા સમાન બન્યુ છે. સાથે સાથે 26 વર્ષ અગાઉ બનાવાયેલું બસસ્ટેન્ડ હાલમાં ઢોર પુરવાનો વાડો બની ગયુ છે. કારણ કે યોગ્ય તકેદારીના અભાવે આ બસસ્ટેન્ડમાં મુસાફરોના બદલે ઢોરોની સંખ્યા વધારે જોવા મળે છે.પાટડીમાં કેટલાક વર્ષો અગાઉ દ્વારકેશ કોમ્પલેક્ષ સામેં એક પિક-અપ સ્ટેન્ડ બનાવાયા બાદ નગરપાલિકા દ્વારા પાટડી જૂના બસસ્ટેન્ડ પાસે અને ચાર રસ્તે મામલતદાર કચેરી બહાર બે અદ્યતન પિક-અપ સ્ટેન્ડ બનાવવા છતાં આ ત્રણેય પિક-અપ સ્ટેન્ડ પર બસો ઉભી ન રહેતા એ પણ માત્ર શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. યોગ્ય નેતાગીરીના અભાવે પાટડીનો વિકાસ રૂધાઈ રહ્યો છે. રજુઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી.