Site icon Revoi.in

સ્ટાર્ટઅપ ગાઈડથી ઈનોવેશન ક્ષેત્રે કંઈક નવું કરવા માગતા વિદ્યાર્થીઓને લાભ મળશેઃ શિક્ષણ મંત્રી

Social Share

ગાંધીનગરઃ રાજ્યના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.૦ (SSIP 2.0)ને અમલમાં મુકી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી, સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા શબ્દો, પોલીસીથી મળતા લાભ અને તે લાભ વિશે કેવી રીતે અરજી કરી શકાશે તે સહિતની સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે તે હેતુથી સ્કુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા “ઘ સ્ટાર્ટઅપ ગાઈડ” લોન્ચ કરવામાં આવશે. ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે શિક્ષણમંત્રી  કુબેરભાઈ ડીંડોરે “ઘ સ્ટાર્ટઅપ ગાઈડ”નું કવર પેજ લોન્ચ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની દિશામાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખુબ  મહત્વનો ભાગ ભજવી રહ્યો છે ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે  વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.૦ (SSIP 2.0)ને અમલમાં મુકી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના અને ગુજરાતના યુવાનોમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન થકી તેમનામાં રહેલી સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવા અને દેશભરના વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ બિઝનેસને પ્રોત્સાહન આપવા 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

સ્કુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવેલી “ઘ સ્ટાર્ટઅપ ગાઈડ” માં ધો. 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓ જેઓ ઈનોવેશન થકી કઈક નવું કરવા ઈચ્છે છે તેના માટે રોડ મેપનું કામ કરશે. સ્કુલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ SSIP 2.0ની દેખરેખ અને અમલીકરણનું કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.૦ (SSIP 2.0) અંતર્ગત ધો. 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 20 હજાર સુધીની સહાય આપવામાં આવશે.