Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે

Social Share

અમદાવાદઃ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં તા. 2 ઓકટોબર ગાંધી જયંતિ, તા. 27 નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. 25  ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હોવાનુ સ્ટેચ્યુ ઑફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું.

પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે. જો કે, તા.3 ઓક્ટોબર, તા.28 નવેમ્બર અને તા. 26 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે. દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશથી દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ અખંડ ભારતના પ્રણેતા સરદાર પટેલની વિશાળ પ્રતિમાના દર્શન કરવાની સાથે આસપાસના નયનરમ્ય સ્થળોનો આનંદ માણી શકે છે. એટલું જ નહીં પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી પણ ઉભી કરવામાં આવી છે.

Exit mobile version