Site icon Revoi.in

દુનિયામાં સરેરાશ તાપમાનમાં 3 સેલ્સિયસનો વધારો થવાની શકયતા, સંયુક્ત રાષ્ટ્રનો એક અહેવાલ

Social Share

દિલ્હીઃ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનનું પ્રમાણ વિક્રમી સ્તરે વધતું હોવાથી દુનિયાના સરેરાશ તાપમાનમાં 3 સેલ્સિયસનો વધારો થાય તેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોવાની ચિંતા સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જણાવ્યું હતું કે, ગત વર્ષ દરમિયાન ઉત્તર ધ્રુવ પ્રદેશમાં બરફ ઝડપથી ઓગળી રહ્યો છે તો સાઇબેરિયા અને પશ્ચિમ અમેરિકામાં હીટવેવ અને જંગલોમાં દાવાનળના વધેલા પ્રમાણને જોતાં વિશ્વ આબોહવા પરિવર્તનના દોર તરફ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના સંકેત છે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર 2015માં પેરિસ સમજૂતી હેઠળ દેશોએ ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવા વચનો આપ્યાં હતા. તેમ છતાં સ્થિતિ અંકુશમાં આવી નથી. જળવાયુ પરિવર્તન સંધિએ વિશ્વના સરેરાશ તાપમાનમાં થતા વધારાની રફ્તારને ઓછી કરીને 2 ડિગ્રીના સ્તરે લાવવા લાંબાગાળાના ધ્યેયો નક્કી થયા હતા. તે પછી આ સ્તરને 1.5 સેલ્સિયસના સ્તરે પહોંચાડવાના લક્ષ્યાંક નક્કી થયેલા છે. પરંતુ વર્તમાનમાં સ્થિતિ એવી છે કે સરેરાશ તાપમાનમાં 3 સેલ્સિયસનો ઘટાડો થઇ શકે છે. વર્ષ 2010થી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન વાર્ષિક 1.4 ટકાને દરે વધી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર પયર્વિરણ કાર્યક્રમના કાર્યકારી અધિકારી ઇંગર એન્ડરસને જણાવ્યું હતું કે વર્ષ 2020 માં વિક્રમજનક ગરમી નોંધાઇ છે, બીજી તરફ જંગલમાં દાવાનળ, દુષ્કાળ, વાવાઝોડાની સ્થિતિ વણસી છે. આ વર્ષના અંતભાગ સુધીમાં હવામાન પરિવર્તનને નિયંત્રણમાં લેવા વધુ કડક લક્ષ્યાંકો સાથે આગળ વધવા સરકારો પર દબાણ વધે તેવી સંભાવના છે.