Site icon Revoi.in

કોરોના સંકટ વચ્ચે ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂનો ખતરો

Social Share

દિલ્લી: કોરોનાની વચ્ચે દેશમાં બર્ડ ફ્લૂના ખતરાએ પણ દસ્તક આપી દીધી છે. ખરેખર, દેશના ઘણા રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને કેરળમાં તેનો કહેર જારી છે. હજી સુધી આ રાજ્યોમાં સેંકડો પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.

કોરોના વાયરસ મહામારીની વચ્ચે હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળ અને ગુજરાતમાં બર્ડ ફ્લૂ એક મોટો ખતરો બની રહ્યો છે. આ રાજ્યોમાં અત્યાર સુધી સેંકડો પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. ત્યારબાદથી અહીંની રાજ્ય સરકારોએ હાઇ એલર્ટ જારી કર્યું છે.

એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે તેને આપત્તિ જાહેર કરી છે. તો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઝારખંડ, બિહાર, તમિળનાડુ અને જમ્મુ-કાશ્મીર એલર્ટ પર છે.

કેરળમાં અત્યાર સુધીમાં 1700 બતકનાં મોત થયાં છે. રાજસ્થાનના ઝાલાવાડ,કોટા સહિત 16 જિલ્લામાં અત્યાર સુધી 625 પક્ષીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં લગભગ 100, ઈંદોરમાં 142,માલવામાં 112 અને ખરગોન જિલ્લામાં 13 કાગડાનાં મોત થયાં છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પોંગ તળાવ અભયારણ્યમાં અત્યાર સુધીમાં 2739 પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓના મૃત્યુ પછી સ્થાનિક વહીવટીતંત્રે મરઘા,બતક અને ઇંડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

કેરળના અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં મંગળવારે સંક્રમિત પક્ષીઓને મારવા માટેના મોટા પાયે અભિયાનની શરૂઆત થઈ છે. અહીં લગભગ 50 હજાર પક્ષીઓને મારવામાં આવશે. હરિયાણાના પંચકૂલા જિલ્લામાં 15 દિવસમાં બે લાખ મરઘાનું મોત નીપજ્યું છે.

ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની આશંકા વ્યકત કરવામાં આવી છે. અહીં જૂનાગઢ જિલ્લાના ખારવા ડેમમાં લગભગ 53 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. જો કે વન વિભાગના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે,ઝેરના કારણે પક્ષીઓનું મોત નીપજ્યું છે.

તો,બિહાર,ઝારખંડ,ઉત્તરાખંડ અને કર્ણાટકમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. કેરળના પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી કે રાજુએ સોમવારે બે સ્થળોએ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરી છે.

મંગળવારે પણ રાજસ્થાનમાં 10 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરંતુ મોતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. વળી,3 જાન્યુઆરીથી અત્યારસુધીમાં રાજસ્થાનના ઝાલાવાડમાં 138 પક્ષીઓનાં મોત થયાં છે.

મધ્યપ્રદેશમાં મૃત કાગડામાં જીવલેણ વાયરસ મળી આવ્યા બાદ મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં બર્ડ ફ્લૂની ચેતવણી જારી કરી છે. માહિતી મુજબ, મંદસૌરમાં મળી આવેલા મૃત કાગડાઓનાં નમૂનાઓમાંથી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.

-દેવાંશી

Exit mobile version