Site icon Revoi.in

મોડાસાના બામણવાડા પાસે ટ્રકમાં આગ લાગતા બાળક સહિત ત્રણના મોત, 150 ઘેટાં-બકરા ભડથું

Social Share

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં એકાએક આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા છે. હાલ મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતાં ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આખી ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ હતી.  ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ખાક થઈ ગયાં હતાં.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ટ્રકમાં ભીષણ આગ લાગ્યાની જાણ થતાં રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની બે ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગેની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.  આગ લાગતા ટ્રકમાં સવાર એક બાળક અને બે પુરુષોના મોત નિપજ્યાં હતા. જ્યારે 150થી વધારે   ઘેટાં-બકરાના પણ મૃત્યુ નિપજ્યાં હતા. ટ્રક બામણવાડના રસ્તા પરથી પસાર થઈ રહી હતા ત્યારે વીજળીના જીવંત તારને અથડાતા સ્પાર્ક થવાને કારણે ટ્રકમાં એકાએક આગ ફાટી નિકળી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.