Site icon Revoi.in

ગીરગઢડામાં સસલાનો શિકાર કરતી ટોળકી ઝબ્બે, અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ શરુ કરાઈ

Social Share

અમદાવાદઃ સમગ્ર દેશમાં એક માત્ર જુનાગઢના ગીર જંગલમાં એશિયનટીક લાયન વસવાટ કરે છે. આ ઉપરાંત જંગલમાં અન્ય પશુ-પંખીઓ વસવાટ કરી રહ્યાં છે. અગાઉ જંગલ વિસ્તારમાંથી શિકાર કરતી અનેક ટોળકીને ઝડપી લેવામાં આવી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ પોરબંદરના દરિયામાં તાજેતરમાં જ ડોલફિન અને શાર્કનો શિકાર કરતી આંતકરાષ્ટ્રીય ટોળકીને ઝડપી લેવામાં આવી છે. દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં સસલાનો શિકાર કરતી ટોળકીને ઝડપી લેવામાં આવી હતી. ટોળકી પાસેથી સસલા પકડવાની નેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ગીરજંગલ વિસ્તારમાં પશુ-પક્ષીઓના શિકાર કરતી ટોળકી સક્રિય થયાની માહિતીના આધારે વનવિભાગની ટીમ એક્ટિવ બની હતી. તેમજ જંગલમાં પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું હતું. દરમિયાન બાબરિયા રેન્જમાંથી શંકાના આધારે ચાર શખ્સોને અટકાવીને તપાસ કરતા આ શખ્સો સસલાનો શિકાર કરવા આવ્યાં હોવાનું ખુલ્યું હતું. વન વિભાગે શિકારીઓ પાસેથી સસલા પકડવાની જાળ સહિતનો રૂપિયા બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા સસલાઓનો શિકાર કર્યો છે તેની માહિતી મેળવા માટે તપાસ શરુ કરી છે. આ ટોળકી જંગલ વિસ્તારમાં કેટલા સમયથી સક્રિય હતી અને તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ કરવામાં આવી છે. વનવિભાગની ઉંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.